ગુજરાતમાં એક જ દિવસમાં હૃદયરોગના કારણે 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ બધા યુવાન 13 થી 40 વર્ષની વયના હતા

ગુજરાતમાં એકાએક હાર્ટ અટેક આવતાં યુવાનોના મોત થવાના કિસ્સા સતત વધી રહ્યા છે. તાજેતરમાં જ ગરબા રમતી વખતે જામનગરના એક યુવકનું મોત થયું હતું. બુધવારે 13થી40 વર્ષની વયના 4 લોકોના એકાએક હાર્ટ અટેક આવી જતાં મોત થયા છે. બે દિવસમાં રાજ્યમાં કુલ પાંચ લોકોએ હૃદયરોગના હુમલાના કારણે જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં હાર્ટ અટેકથી મૃત્યુના આંકડા ચિંતાજનક રીતે ગતિ પકડી રહ્યા છે. યુવાન વયના લોકો દૈનિક ક્રિયાઓ કરતી વખતે જીવ ગુમાવી રહ્યા છે. વળી, થોડોક પણ શારીરિક શ્રમ તેમનો જીવ લઈ રહ્યો છે. કેટલાકને તો ક્લાસરૂમમાં બેઠા-બેઠા કે પછી જિમમાં કસરત કરતાં હાર્ટ અટેક આવ્યો હોય તેવું બન્યું છે.

બુધવારે સુરતના ગોડાદરાની ગીતાજંલી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાર્થિની રિદ્ધિ મેવાડા વર્ગખંડમાં એકાએક જ ઢળી પડી હતી.આ આખી ઘટના સ્કૂલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. રિદ્ધિને બચાવવા માટે તરત જ પ્રયાસ શરૂ કરી દેવાયા હતા પરંતુ હોસ્પિટલ પહોંચી શકે એ પહેલા જ તેનું મોત થઈ ગયું હતું.

અમદાવાદમાં ખાનપુરના 30 વર્ષીય રહેવાસી હર્ષ સંઘવીનું પણ હાર્ટ અટેકથી મોત થયું. બુધવારે હર્ષ બસમાં મુસાફરી કરી રહ્યો હતો એ વખતે તેને અટેક આવ્યો હતો. હર્ષ પોતાના પરિવાર સાથે રાજસ્થાનમાં આવેલા યાત્રાસ્થળ ભાંડવાજી ખાતે ગયો હતો. પત્ની અને બે વર્ષની દીકરી સહિતના પરિવાર સાથે પાછા ફરી રહેલા હર્ષનું રસ્તામાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.

આ જ પ્રકારની વધુ એક હૃદયદ્રાવક ઘટના જામનગરથી સામે આવી હતી. નવરાત્રી ગુજરાતીઓનો પ્રિય તહેવાર છે અને તેના આડે હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. એવામાં ઠેરઠેર ગરબાના ક્લાસ શરૂ થઈ ગયા છે ને અવનવા સ્ટેપ્સ ખેલૈયાઓ શીખી રહ્યા છે. ગરબા પ્રેક્ટિસ દરમિયાન જામનગરનો 19 વર્ષીય વિનિત કોવાડિયા ઢળી પડ્યો હતો. વિનિત છેલ્લા બે મહિનાથી ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ગરબા ક્લાસ ચલાવતા ધર્મેશ રાઠોડે સ્થાનિક અખબાર અમદાવાદ મિરર સાથે વાત કરતાં જણાવ્યું, “વિનિતે ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી અને બીજા રાઉન્ડ દરમિયાન જ તે એકદમથી ઢળી પડ્યો. અમે તેને રિક્ષામાં સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા પરંતુ ત્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.”

ભાવનગરથી પણ હાર્ટ અટેકનો કિસ્સો સામે આવ્યો છે. 40 વર્ષીય ખેડૂત અરવિંદ પંડ્યાને રાશન કાર્ડ કઢાવવાનું હોવાથી તેઓ તળાજા મામલતદાર કચેરીમાં બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ આપવા ગયા હતા. એ વખતે જ તેઓ એકદમથી ફસડાઈ ગયા. જેથી આસપાસના લોકો તેમને તાત્કાલિક નજીકમાં આવેલી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

બુધવારે એકસાથે ચાર લોકોના ગુજરાતના જુદા-જુદા સ્થળોએ હાર્ટ અટેકથી મોત થયા હતા. ત્યારે મંગળવારે સુરતમાં એક સોનીનું હાર્ટ અટેકથી મોત થયું હતું. કાપોદરામાં રહેતા અશોક કુમાર કામેથી પાછા આવ્યા બાદ એકાએક જ જમીન પર ઢળી પડ્યા હતા. તેમની પત્નીએ તેમને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ પ્રતિક્રિયા ના આપી. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. ડૉક્ટરને આશંકા છે કે, હાર્ટ અટેકના લીધે અશોક કુમારનું મોત થયું છે. મહત્વનું છે કે, અશોક કુમારના લગ્ન 3 મહિના પહેલા જ થયા હતા. એવામાં તેમના એકાએક અવસાનથી પત્ની ઉપર આભ તૂટી પડ્યું છે. ગુજરાતમાં વધતી હાર્ટ અટેકની સંખ્યા ચિંતા કરાવનારી છે અને અચાનક હાર્ટ અટેક આવવાનું કારણ શું છે તે હજી સુધી પકડમાં આવ્યું નથી.