બોલિવૂડ એક્ટર આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવે તેમના છૂટાછેડાની ઘોષણા કરી દીધી છે. આમિર ખાન અને કિરણ રાવે સંયુક્ત નિવેદન જારી કરીને તેમના છૂટાછેડાના સમાચાર શેર કર્યા છે. આમિર અને કિરણના લગ્ન 15 વર્ષ પહેલા થયા હતા. આમિર બોલિવૂડનો સુપરસ્ટાર બની ગયો છે, તે જ સમયે તેની બીજી પત્ની કિરણ પણ ઓછી નથી. કારણ કે આમિરની પત્ની કિરણ રાવ રાજવી પરિવાર સાથે જોડાણ ધરાવે છે. એટલું જ નહીં, બોલિવૂડ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી સાથે પણ તેનો ખાસ સંબંધ છે.
દરેક કિરણને આમિર ખાનની પત્ની તરીકે ઓળખે છે પરંતુ રસપ્રદ વાત એ છે કે કિરણ રાજવી પરિવાર સાથે જોડાણ ધરાવે છે. કિરણ રાવના દાદા રામેશ્વર રાવ વાનાપર્થીના રાજા હતા. વાનાપર્થી હવે તેલંગણા રાજ્ય હેઠળ આવે છે. ખાસ વાત એ છે કે કિરણ બોલિવૂડની જાણીતી અભિનેત્રી અદિતિ રાવ હૈદરીની કઝીન છે. આમિર ખાનની પત્ની કિરણ રાવ અદિતિ રાવ હૈદરીની કઝીન બહેન છે.
જ્યારે કારકિર્દીની વાત આવે છે, ત્યારે કિરણ રાવ એક ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને પટકથા લેખક છે. સિનેમા વિશેની તેમની રચનાત્મક વિચારસરણીએ તેમને ઉદ્યોગમાં એક ખાસ ઓળખ આપી છે. કિરણે સોફાયા કોલેજમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. આ પછી કિરણે મીડિયા અને મનોરંજનની દુનિયામાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. કિરણે જાને તુ યા જાને ના, પીપલી લાઇવ, ધોબી ઘાટ, ડેલી બેલી, તલાશ, દંગલ, સિક્રેટ સુપરસ્ટાર, દંગલ, જેવી ફિલ્મ્સ બનાવી છે.
નોંધનીય છે કે આમિર ખાન કિરણને પ્રથમ ફિલ્મ ‘લગાન’ ના સેટ પર મળ્યા હતા, જ્યારે તે સહાયક દિગ્દર્શક હતી. આમિરે પહેલી મીટિંગ વિશે કહ્યું હતું કે એક દિવસ કિરણનો ફોન આવ્યો અને તેની સાથે 30 મિનિટ સુધી વાત કરી હતી.
આમિરે કહ્યું હતું કે તે ફોન કોલ પછી તેણે કિરણને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તેઓએ એકબીજાને 1-2 વર્ષ ડેટ કર્યું અને તેઓ પણ સાથે રહ્યા. ત્યારબાદ આમિરે આ સંબંધને નામ આપ્યું અને લગ્ન કરી લીધા હતા.
28 ડિસેમ્બર, 2005 ના રોજ, બંનેએ લગ્ન કરી લીધાં અને એકબીજાને જીવનભર સાથે રહેવાનું વચન આપ્યું. લગ્નના આ 15 વર્ષોમાં આમિર અને કિરણ વચ્ચે કોઈ અણબનાવના સમાચાર આવ્યા નથી, બંને વચ્ચે ક્યારેય કોઈ વિવાદ થયાના સમાચાર મળ્યા નથી, તો એવું શું બન્યું કે બંનેએ જુદા જુદા માર્ગે ચાલવાનું નક્કી કર્યું છે.
હાલમાં બંનેએ છૂટાછેડાની ઘોષણા કરી છે પરંતુ છૂટાછેડા માટેનું કારણ જણાવ્યુ નથી. જો કે, તે વ્યવસાયિક ભાગીદાર તરીકે કામ કરશે.