ડિરેક્ટર સંદીપ પટેલ “લવની ભવાઈ” જેવી સુપરહિટ ફિલ્મ આપ્યા બાદ હવે વધુ એક શાનદાર ફિલ્મ લઈને ગુજરાતી દર્શકોને રાજી કરવા માટે આવી ગયા છે. પડદા પર હાલમાં જ “ઓમ મંગલમ સિંગલમ” ફિલ્મ રિલીઝ થઇ છે અને દર્શકોનો પણ આ ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. કારણ કે “મલ્હાર અને આરોહી”ની જે જોડી “લવની ભવાઈ: ફિલ્મમાં જોવા મળી હતી એજ જોડી હવે “ઓમ મંગલમ સિંગલમ”માં પણ દર્શકોનું મનોરંજન કરી રહી છે. તો આ ફિલ્મ શા કારણે જોવી જોઈએ તેના વિશે તમને જણાવીએ.
ફિલ્મમાં એક અલગ પ્રકારની લવ સ્ટોરી છે. ફિલ્મનો સિદ્ધાર્થ એટલે કે મલ્હાર અને વાણી એટલે કે આરોહી બંને સાથે ભણીને મોટા થઇ જાય છે. બંને એવા પાક્કા મિત્રો બની જાય છે કે જીવનભર સાથે જ રહેવાનું નક્કી કરી લે છે, બંનેના પરિવાર પણ એકબીજાને બહુ સારી રીતે ઓળખતા હોવના કારણે તેમના લગ્નની વાતમાં પણ કોઈ માથાકૂટ નથી થતી. બંનેના પ્રેમનો સુખદ અંત આવતો જોવા મળે છે. પરંતુ કહાનીનો ટર્નિંગ પોઇન્ટ ત્યારે આવે છે જયારે સિદ્ધાર્થને એમ થાય છે કે “સિંગલ લાઈફ તો જીવ્યા જ નહીં ?, સિંગલ હોત તો શું શું કરતા ?”
બસ પછી તો વાણી અને સિદ્ધાર્થ તેમના સંબંધોને પોઝ આપી અને સિંગલ લાઈફ જીવવાનું નક્કી કરે છે, સિંગલ હોત તો શું શું કરતા તેનું લિસ્ટ બનાવે છે. ઘરમાં અને મિત્રોમાં પણ આ વાતને લઈને કુતુહલ જાગે છે. બધા જ આવું ના કરવાનું પણ કહે છે, પરંતુ વાણી અને સિદ્ધાર્થ એમ થોડી કઈ માનવના. પછી શરૂ થાય છે સિંગલમ મંગલમની અસ્સલ કહાની.
ત્યારબાદ આ ફિલ્મમાં કેટલાક પાત્રોનો પણ પ્રવેશ થાય છે, અને ફિલ્મ વધુને વધુ રોમાંચક બનવા લાગે છે. સિદ્ધાર્થ અને વાણી વચ્ચે પણ પ્રોબ્લમ આવવા લાગે છે, બંને જાણે અલગ થતા હોય તેમ લાગે છે અને ક્લાઈમેક્સ તો આંખોમાં ખરેખર આંસુઓ લાવી દે છે, હવે કહાનીમાં આગળ શું થાય છે એ જોવા માટે તમારે ફિલ્મ પહેલા જોવી પડશે અને જોઈ હોય તો તમને પણ ખબર પડી જ ગઈ હશે.
ફિલ્મમાં તમામ કલાકારોનો અભિનય જબરદસ્ત છે, ફિલ્મના ડાયરેક્ટર સંદીપ પટેલે ફિલ્મની કથા અને ડિરેક્શનમાં પ્રાણ પૂર્યા છે, તો ફિલ્મનું સંગીત તેનો આત્મા બની ગયો છે, નિરેન ભટ્ટે લવની ભવાઈ ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ સદાબહાર ગીતો આપ્યા છે ! નેહલ બક્ષી અને મિતાઈ શુક્લની કહાનીએ આખી ફિલ્મને એક નવો ઉત્સાહ પૂર્યો છે.
આ ફિલ્મનું ટ્રેલર આપ ઉપર જોઈ શકો છો. જો તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો અહીં પણ જરૂર જણાવજો આ ફિલ્મ તમને કેવી લાગી ? જો બકા ટિમ તરફથી આ ફિલ્મને 5 માંથી 4.5 સ્ટાર આપીએ છીએ!