બ્લુ વ્હેલ વિરુદ્ધ પિંક વ્હેલ

Please log in or register to like posts.
News

હાહાકાર મચાવનારી, કાળજું કંપાવી દેનારી અને નઠારી તેમ જ ખેલ ખતરનાક જેવાં વિશેષણોથી નવાજવામાં આવેલી કમ્પ્યુટર પર રમાતી ઑનલાઇન ગેમ બ્લુ વ્હેલની કાતિલ જાળમાં હજી પણ બાળકો સપડાવાના એકલદોકલ બનાવો બની રહ્યા છે ત્યારે દાઝ્યા પર મલમ જેવા સમાચાર આવ્યા છે. કોઇ છાને ખૂણેથી પિંક વ્હેલ નામની ગેમ ડોકિયું કાઢીને લોકપ્રિયતાની સીડી ચડવાના પ્રયાસો કરી રહી છે. કમ્પ્યુટર પર જ રમાતી આ ઑનલાઇન ગેમ બ્લુ વ્હેલનો બીજો છેડો છે. બ્લુ વ્હેલ કાતિલ છે, બાળકોને જીવ દેવા ઉશ્કેરે છે જ્યારે પિંક વ્હેલ પ્રેમ અને પ્રસન્નતાનો ફેલાવો કરવાના નેક ઇરાદા સાથે આવી છે. જાણે પોતાના નામને (પિંક એટલે ગુલાબી જે સૌમ્ય ભાવનો નિર્દેશ કરે છે) સાર્થક ન કરતી હોય! બ્લુ વ્હેલ રમીને બાળકિશોરો જીવન ગુમાવી બેસે છે જ્યારે પિંક વ્હેલ પ્રસન્ન વાતાવરણમાં જીવવાના પાઠ શીખવાડે છે. બ્લુ વ્હેલના રાક્ષસી અવતારે રશિયામાં માથું ઊંચક્યું જ્યારે પ્રેમાળ અને વાંસો પંપાળતી પિન્ક વ્હેલ ગેમે દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલમાં અવતાર લીધો છે. બ્લુ વ્હેલ વિલન છે તો પિંક વ્હેલ વિલન પર હુમલો કરવા આવેલો હીરો છે.

સ્યુસાઇડ ગેમનું લેબલ મેળવનાર બ્લુ વ્હેલના પ્રભાવને દૂર કરીને એને ડામી દેવાના આશય સાથે આવેલી પિંક વ્હેલને સાગમટે વધાવી લેવાઇ છે. એના ઓવારણાં લેવામાં આવ્યા છે. ઇન્ટરનેટના ઑનલાઇન પ્લેટફૉર્મ પર લોકપ્રિય થઇ ગયેલી આ રમતને ફેસબુક પર ત્રણ લાખથી વધુ અને ઇન્સ્ટાગ્રામ પર પચાસ હજારથી વધુ ફોલોઅર મળી ચૂક્યા છે અને એમાં સતત ઉમેરો થઇ રહ્યો છે. ગેમની સત્તાવાર વેબસાઇટ બફહયશફજ્ઞિતફ.ભજ્ઞળ.બિ. (બફહયશફજ્ઞિતફ પોર્તુગીઝ શબ્દ છે જેનો અર્થ પિંક વ્હેલ થાય છે) પર દાવો કરવામાં આવ્યો છે કે ‘ઇન્ટરનેટનો ઉપયોગ પ્રેમના પ્રસાર માટે પણ થઇ શકે છે એ સાબિત કરવાનો અમારો પ્રયાસ છે અને આ આશયમાંથી જ પિંક વ્હેલ નામની ગેમે આકાર લઇને જન્મ લીધો છે.’ આ ગેમની ધારી અસર થઇ રહી છે અને લોકો સોશ્યલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું છે કે ‘તમે આવો પ્રયાસ કર્યો છે એટલે તમે સારા માણસોમાંના જ એક હશો. તમારું એ ધોરણ જળવાઇ રહે એ માટે તમે સતત પ્રયત્નશીલ રહેજો.’ અન્ય એક વ્યક્તિ જણાવે છે કે ‘તમે બહુ ઉમદા કાર્ય કરી રહ્યા છો. એમાં આગળ વધાય એટલું વધજો.’ મળેલી માહિતી પ્રમાણે પિંક વ્હેલ ગેમના સર્જકોને બ્રાઝિલ સરકારનું પીઠબળ મળ્યું છે અને આજની તારીખમાં તેમની વેબસાઇટ ત્રણ ભાષામાં કાર્યરત છે: પોર્તુગીઝ, ઇંગ્લિશ અને સ્પેનિશ. વળી ઑનલાઇન પર આ ગેમ સહેલાઇથી ઉપલબ્ધ છે અને એનું ઍપ વિનામૂલ્ય ડાઉનલોડ કરી શકાય છે.

આ ગેમમાં ભાગ લેનારાઓએ પણ બ્લુ વ્હેલની જેમ કેટલાક ટાસ્ક પૂરા કરવાનાં હોય છે. જોકે, અહીં જે પડકાર ઝીલવાના છે એ બ્લુ વ્હેલના આત્મઘાતી વલણ કરતાં એકદમ વિપરીત છે. પિંક વ્હેલ ચૅલેન્જ પૉઝિટિવ અને ઉમદા કાર્યો કરવા પ્રેરે છે. સાથે સહભાગી થનારી વ્યક્તિના દૈનિક જીવનમાં પ્રસન્નતા રેલાય એવા પ્રયત્નો કરે છે. તમે ગેમની વેબસાઇટ પર જઇને સાઇન ઇન કરો એટલે પહેલો જ મેસેજ આવે છે કે ‘હેલો પ્લેયર, બ્લુ વ્હેલના આનંદદાયક વિકલ્પ તરીકે વિકસાવાયેવી પિંક વ્હેલમાં તમારું સ્વાગત છે. હવે પછીના સાત દિવસ તમને જુદા જુદા ટાસ્ક (કામ) આપવામાં આવશે જે પૂરા કરીને તમે અને તમારા મિત્રોના ચહેરા પર સ્મિત રેલાઇ જશે. તમારે ગેમમાં સહભાગી થવા માટે નથી કોઇ પુરાવા મોકલવાની જરૂર કે આને સિક્રેટ રાખવાની સુધ્ધાં જરૂર નથી. ગેમ રમીને આનંદ માણો અને તમને જો મજા પડી હોય તો તમારા મિત્રોને પણ જણાવો. જો ગેમના કોઇ પણ તબક્કે તમને એમ લાગે કે તમારે હવે આગળ નથી રમવું તો તમે ગેમ છોડીને જઇ શકો છો.’ માત્ર તમારે તમારું ઇ-મેઇલ ઍડ્રેસ ક્ધફર્મ કરવાનું હોય છે. આ ઉપરાંત કોઇ અડચણ આવે તો એ માટે કોનો ક્યા નંબર પર સંપર્ક કરવો એની વિગતો પણ આપવામાં આવી છે. જીવલેણ ગેમ બ્લુ વ્હેલમાં તો ઘણી વિગતો આપવી પડે છે તેમ જ એ અધવચ્ચેથી છોડી જવાની છૂટ નથી.

બ્લુ વ્હેલના વધી રહેલા ફેલાવાથી ચિંતિત થયેલા એક પબ્લિસિસ્ટ અને ગ્રાફિક ડિઝાઇનરે શરૂ કરેલી આ ગેમની બીજી એક મહત્ત્વની વાત એ છે કે ગેમ રમનારે સોંપેલા ટાસ્ક પૂરા કરીને એના પુરાવા રજૂ કરવા બંધનકર્તા નથી. હા, તમારી ઇચ્છા હોય ને જો તમે ટાસ્ક પૂરો કર્યાના ફોટોગ્રાફ્સ શેર કરો તો એ તસવીરો વેબસાઇટના ‘વ્હેલ પપીઝ’ યાને કે વ્હેલના બચ્ચા નામના વિભાગમાં રાખવામાં આવે છે. આ જગ્યાએ માહિતી શેર થવાથી ભાગ લેનારાઓના દિલમાં એક પૅઝિટિવ વાતાવરણ તૈયાર થાય છે. આ ગેમમાં પણ ૫૦ ચૅલેન્જ રાખવામાં આવી છે અને રોજની એક ચૅલેન્જ પૂરી કરવાની છે. એક ઉત્સાહી વ્યક્તિએ ૨૪ ચૅલેન્જ પૂરી કર્યા પછી એની વિગતો અન્ય લોકો જાણી શકે એ હેતુથી ઑનલાઇન શેર કરી છે. એની સામે મૂકવામાં આવેલી ચૅલેન્જો આ પ્રમાણે હતી: ૧)પેનથી કોઇના હાથ પર લખો એ વ્યક્તિ તમને કેટલી પ્રિય છે. ૨) પેનથી પિંક વ્હેલનું ચિત્ર દોરો અને ઉત્સાહ વધારનારા શબ્દો કે વાક્યો લખીને એ તમે વાપરતા હો એ સોશ્યલ નેટવર્ક પર એને રજૂ કરો. ૩) જો અન્ય સારાં વાક્યો તમે તૈયાર કર્યા હોય તો કમેન્ટમાં યસ લખો અને ન હોય તો તમારી નજીક જે અરીસો હોય એમાં જોઇને ખુદની પ્રશંસા પાંચ મિનિટ સુધી કરો. ૪)લાંબા સમય સુધી જેની સાથે વાત ન કરી હોય એ વ્યક્તિ સાથે વાત કરો. ૫)સોશ્યલ સાઇટ પર ‘હું એક સારી વ્યક્તિ છું’ એવું લખો. ૬) જીવનની આનંદદાયક ક્ષણોને યાદ કરીને ફરી એની મજા માણો. ૭) તમને જે કપડાં પહેરવામાં આનંદ આવતો હોય એ પહેરીને એનો એક ફોટો પાડીને પોસ્ટ કરો. ૮)કોઇ એવું સારું કામ કરો જેનાથી કોઇના ઉદાસ ચહેરા પર સ્મિત ફરકી ઊઠે. ૯) નવો મિત્ર બનાવો ૧૦) હવે અમને થોડી મદદ કરો. આ ગેમની જાણકારી અને તમારો અનુભવ ત્રણ વ્યક્તિને જણાવો. આ સિવાય કોઇ અણબનાવ વિશે માફી માગવાની કે માફી આપવાની ચૅલેન્જ, પરિવાર પ્રત્યે સ્નેહ વ્યક્ત કરવાની વાત અને સોશ્યલ સાઇટ પર કોઇ કારણસર મિત્રને બ્લૉક કર્યો હોય તો એને અનબ્લૉક કરીને ફરી એના સંપર્કમાં રહેવા જેવી ચૅલેન્જો પણ હોય છે. આ ટાસ્ક કે ચૅલેન્જીસ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ કોઇપણ પ્રકારની આંટીઘૂંટી વિનાની એકદમ સરળ ગેમ છે. અલબત્ત ગેમ બનાવનારાઓના કોઇ મોટા દાવા પણ નથી, પણ બ્લુ વ્હેલે ઊભા કરેલા મોટા હાઉનો સફાયો બોલાવી દેવાની તેની પ્રાથમિકતા છે.

દરેક બાબતને બે બાજુ હોય છે, સારી તેમ જ નઠારી. બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં કે ગ્રાઉન્ડમાં જઇને વિવિધ રમતો રમવામાં કંટાળો અથવા સૂગ અનુભવતા તરુણો આજની તારીખમાં સ્માર્ટ ફોન કે કમ્પ્યુટર પર ગેમ રમવાની મજા માણતા જોવા મળે છે. જોકે, બે ઘડીનો આનંદ હવે લત બની રહી છે. જેમ એક સમયે યુવાનો નશીલા પદાર્થોના બંધાણી બની રહ્યા હતા એ જ રીતે આજના યુવકો ઇન્ટરનેટની મદદથી રમાતી ગેમના બંધાણી બની રહ્યા છે. અલબત્ત ક્યારેક બ્લુ વ્હેલ જેવી નઠારી ગેમના સકંજામાં તેઓ ફસાઇ જતા હોય છે. રશિયામાં જન્મેલી આ ગેમ વધુ હાહાકાર મચાવે એ પહેલાં સિક્કાની બીજી બાજુ જેવી પિંક વ્હેલ નામની ગેમ અસ્તિત્વમાં આવી છે. બ્લુ ગેમ તરુણોની લાગણીઓ સાથે રમત રમીને તેમને ગૂંચવીને કરુણ અંજામને નોતરું આપે છે તો પિંક વ્હેલ મૂંઝવણ અનુભવતા આ તરુણોને માથે હાથ ફેરવીને વહાલસોયું વર્તન કરી રહી છે. એના ટાસ્ક અથવા ચૅલેન્જીસ આ વાત ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવ્યા છે. કેટલાક ટાસ્ક આસાન નથી, પણ કોઇ રીતે નુકસાન પહોંચાડનારા નથી એ એની જમા બાજુ છે.

કોઇ પણ વાર્તા કે ગેમનો એક ક્લાઇમૅક્સ હોય છે જેના વિશે સૌથી વધુ ઉત્સુકતા દરેકના મનમાં હોય એ સ્વાભાવિક છે. બ્લુ વ્હેલ ગેમમાં ટેરેસ પરથી છલાંગ લગાવવાનો આદેશ અપાતો હોવાની વાત છે. આ તો પિંક વ્હેલ છે એટલે અહીં તો અંતમાં કોઇ જરૂરિયાતમંદને મદદરૂપ થવા માટે તમને કહેવામાં આવે છે. મજા એ વાતની છે કે એ જરૂરિયાતમંદ કોઇ માનવી હોઇ શકે છે અથવા પ્રાણી પણ હોઇ શકે છે. હવે એક રસપ્રદ વાત. જો તમે આ ગેમ રમો તો તમારા હાથના કાંડા સહિતના શરીરના બધા અવયવો તો સલામત રહે જ છે, પણ કોઇને મદદરૂપ થયા હોવાનો આનંદ મનને પ્રફુલ્લિત બનાવી દે છે. જો ગેમ રમીને તમે કેટલાક લોકોને આનંદ આપી શક્યા હોતો શું આ ઇન્ટરનેટનો બહેતર ઉપયોગ નથી? જવાબ જાતે જ નક્કી કરી લો. અને હા, એવી આશા રાખીએ અને પ્રાર્થના પણ કરીએ કે પિંક વ્હેલ દુષ્ટ બ્લુ વ્હેલનો ઇન્ટરનેટ પર ખાતમો બોલાવી દેવામાં સફળ રહેે. અસ્તુ.

Advertisements

Comments

comments