ચોટલીકાંડ: મહિલાઓના વાળમાં લીંબુ-મરચા, ઘરે કંકુના થાપા

Please log in or register to like posts.
News

અમદાવાદ: ચોટલી કોણ કાપે છે? આ પ્રશ્નના જવાબ માટે CID ક્રાઇમે તપાસ શરૂ કરી છે, પરંતુ મહિલાઓ પોતાની ચોટલી કપાય નહીં તે માટે જાત-જાતના પેંતરા અજમાવી રહી છે. ચોંકવાનારી વાત એ છે કે, કોઇ ચૂડેલ ચોટલી કાપી જતી હોવાની અફવા સાથે ઘણા પરિવારો અંધશ્રદ્ધાને રવાડે ચડ્યા છે અને ઘરની બહાર કંકુ-મહેંદીના થાપા મારી રહ્યાં છે, જેથી કોઇ એવી ખરાબ શક્તિ ઘરમાં ન પ્રવેશી શકે. મોટાભાગે પરપ્રાંતિય પરિવારોમાં ખોટી અંધશ્રદ્ધા પ્રસરી હોવાનું પણ સામે આવ્યું છે. મહિલાઓ પોતાની ચોટલીમાં તાળું અને લીંબુ-મરચા લટકાવીને ફરી રહી છે.

‘આ કામ કોઇ વ્યક્તિનું નથી’

ચોટલીકાંડને લીધે લોકોમાં ફેલાયેલી અંધશ્રદ્ધાને જોતાં divyabhaskar.comની ટીમે અમદાવાદના શાહવાડી વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં મોટાભાગે ગરીબ અને ઉત્તર ભારતીય પરિવારો વસે છે. રાજ્યમાં ચોટલી કપાવવાની ઘટનાઓ વધવાની સાથે આ સમગ્ર વિસ્તાર અંધશ્રદ્ધાને રવાડે ચડ્યો છે અને તમામ ઘરોની બહાર કંકુ અને મહેંદીના થાપા મારી દીધા છે, જેથી કોઇ ખરાબ શક્તિ ઘરમાં પ્રવેશી ન શકે. તેમનું માનવું છે કે, આ કામ કોઇ વ્યક્તિનું નહીં પરંતુ કોઇ ભુત કે ચૂડેલનું જ હોઇ શકે છે.

9 વાગ્યે સન્નાટો, બધા ઘરની બહાર તાળા

શાહવાડી વિસ્તારના લોકો એટલા ભયભીત થઇ ગયા છે કે રાતે 9 વાગ્યાની આસપાસ સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી જાય છે અને તમામ ઘરોની બહાર તાળા જોવા મળે છે. તેઓ પોતાના બાળકોને દિવસ દરમિયાન પણ ઘરમાં પૂરીને રાખે છે અને ઘરની બહાર તાળું મારી દે છે. તેઓ કોઇ વ્યક્તિથી નહીં પરંતુ ભૂત-પ્રેતથી ડરીને આવું બધું કરી રહ્યાં છે.

ચોટલીકાંડ મુદ્દે સીઆઇડી ક્રાઇમનો ખુલાસો

ચોટલીકાંડમાં સીઆઇડી ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસમાં શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં સીઆઇડી અને એફએસએલની ટીમ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં સીઆઇડી ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા ખુલાસકરતા જણાવ્યું હતું કે માણસામાં જે મહિલાની ચોટલી કપાઇ હતી એ ચોટલી તેની હતી જ નહી. ચોટલી કાંડએ કેટલાક ઇસમો દ્વારા ઉભું કરાયેલું એક તરકટ છે. જેમાં કિમ, રાજકોટ, બનાસકાંઠા જેવા 5થી 6 કેસ બોગસ હોવાનું પુરવાર થયું છે.

ખેરાલુ અને ભાભર ગામમાં બનેલા બનાવમાં અનેક વાળના કલર અલગ અલગ હોવાનું તારણ આવ્યું છે. જ્યારે અમદાવાદના કેસમાં હજુ કોઇ નક્કર તપાસ થઇ નથી. આ ચાટલીકાંડમાં મોટાભાગના ભોગ બનનાર અંધશ્રદ્ધાળું અને મૂળ યુપી, મધ્યપ્રદેશના લોકો જ છે. વધુમાં સીઆઇડી ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા જણાવામાં આવ્યું હતું કે આ બનાવોમાં કોઇ ગેંગ નથી, માત્ર ફેલાયેલી વાતથી લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા અફવા ઉભી કરવામાં આવી હતી.

નોંધ: jobaka.in આવી કોઇ અંધશ્રદ્ધા ફેલાવવામાં માનતું નથી. માત્ર રિડર્સને ચોટલીકાંડને લીધે ઉભી થયેલી પરિસ્થિતિનો ચિતાર આપી રહ્યાં છીએ.

સ્તોત્ર: દિવ્યભાસ્કર

Comments

comments