ઘરમાં જો બા ન હોય તો આ દાદા રડી પડે

Please log in or register to like posts.
News

આજની થિયરી પ્રમાણે એમ માનવામાં આવે છે કે દામ્પત્યજીવનમાં સ્પેસ હોવી જોઈએ. સતત સાથે ને સાથે રહેવાથી જીવનમાં કોઈ નવીનતા નથી રહેતી. આ વાતનો છેદ ઉડાડતાં કાંદિવલીમાં રહેતા કપોળ વાણિયા મંજુલા હરિલાલ મહેતા કહે છે, ‘અમારા ૫૫ વર્ષના લગ્નજીવનમાં અમે ક્યારેય એકબીજાથી છૂટાં નથી પડ્યાં. હંમેશાં સાથે ને સાથે. જુદા રહેવું અમને ગમે જ નહીં.’

આટલાં બધાં વર્ષો પછી પણ પરસ્પર આટલો પ્રેમ જળવાઈ રહ્યો છે એનાં કારણો શું છે એ જોઈએ.

વેવિશાળમાં પોતે જ નહીં

પોતાના વેવિશાળ વિશે રસપ્રદ વાત કરતાં મંજુલાબહેન કહે છે, ‘અમે ત્યારે દામનગરમાં રહેતા. મારા પિતા મુંબઈ ગયેલા અને તેમની (હરિલાલ) સાથે મારું વેવિશાળ કરીને આવ્યા. હું તો વેવિશાળમાં હાજર જ ન હતી. જોકે પછી બાપા તેમને લઈને દામનગરમાં આવેલા; એ વખતે મારી ઉંમર ૧૬-૧૭ વર્ષની અને તેમની ૨૬ વર્ષ. અમારાં લગ્ન ૧૬ ડિસેમ્બર ૧૯૫૬માં થયેલાં.

જીવનસંઘર્ષ

અત્યારે કાંદિવલી (વેસ્ટ)માં ૧૦ રૂમ જેટલી વિશાળ જગ્યામાં રહેતા મહેતા-દંપતીનો સંસાર લોઅર પરેલની બારા ચાલમાં ૧૦ બાય ૧૦ની રૂમમાં શરૂ થયો હતો. લોઅર પરેલમાં જ હરિલાલ રેડીમેડ કપડાંનો બાંકડો ચલાવતા. કમનસીબે બાંકડો મ્યુનિસિપલ-કટિંગમાં ગયો અને સ્મશાન પાસે જગ્યા મળી એટલે કામ બંધ કર્યું. પછી મસાલાનો ધંધો શરૂ કર્યો. થેલા લઈને આપવા જતા. મોટો દીકરો પરેશ પણ ફટાકડાં, પતંગ વગેરે વેચવાનું કામ કરે. મંજુલાબહેન પણ હકોબા સાડીમાં કામ કરતાં. પરિસ્થિતિ એટલી ખરાબ કે નાના દીકરાની વહુની સુવાવડ વખતે એક પૈસો ન મળે. ડિલિવરી પછી તેમનાં મોટી બહેન ઘી, ગોળ અને લોટ લાવ્યા ત્યારે શીરો બન્યો. બાળકો બીજાનાં કપડાં પહેરીને મોટાં થયાં.

ટર્નિંગ પૉઇન્ટ

ભાઈના દીકરા સાથે ઝવેરીબજારમાં નોકરી કરી. પછી જે. પીતાંબરમાં નોકરી કરી. પછી સોના-ચાંદીની દલાલી શરૂ કરી અને નસીબે કરવટ બદલી. ૧૯૭૫થી લક્ષ્મીજીની અઢળક કૃપા થઈ. થોડો વખત અંધેરી રહ્યા અને પછી કાંદિવલી રહેવા આવ્યા. આજે તો બન્ને દીકરાઓ મોટે પાયે બિઝનેસ કરી રહ્યા છે. મોટો પુત્ર પરેશ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં છે અને નાનો કેતન એન્જિનિયર છે. તે ઇલેક્ટ્રિકલ-સ્ટૅમ્પિંગનું મૅન્યુફૅક્ચરિંગ કરે છે.

સાથ સુહાના

પોતાની જીવનસંગીની વિશે હરિલાલ કહે છે, ‘હું બહુ માંદો નથી પડ્યો, પણ ક્યારેક તબિયત નરમગરમ હોય તો તેઓ(મંજુલાબહેન) મારું બહુ જ ધ્યાન રાખે. સવારે ઊઠું ત્યારે ચા-પાણી તૈયાર હોય. જોકે હવે તો ઘરમાં બાઈઓ છે એટલે તેમને એ બધું કરવું નથી પડતું. તે ન હોય તો મને જરાય ગમે નહીં, રડવું આવી જાય. એકબીજાને એકલા મૂકીને અમે ક્યાંય ગયા નથી. સાંજે મંદિરે પણ સાથે જ જવાનું. અમે બન્ને જુદા-જુદા મંદિરે જઈએ છે, પણ પહેલાં તેમને તેમના મંદિરે ઉતારીને હું જાઉં અને વળતા પાછો તેમને સાથે લેતો આવું.’આગળ મંજુલાબહેન ઉમેરે છે, ‘જીવન બહુ સારું ગયું છે, ભગવાનની મહેરબાની. કોઈ દિવસ કકળાટ નહીં, બોલાચાલી નહીં. તેમણે જીવનમાં કદી નીતિ, ધર્મ અને ન્યાય છોડ્યા નથી. બાળકો પણ એવાં જ લાયક થયાં છે.’

પોતાનું કામ જાતે જ કરે

અત્યારે ૮૪ વર્ષના હરિભાઈ હજી પણ કડેધડે છે અને પોતાનું કામ પોતે જાતે જ કરી લે છે. ૭૪ વર્ષનાં મંજુલાબહેન પણ એકદમ તંદુરસ્ત છે અને સેવાપૂજામાં વ્યસ્ત રહે છે. તેમની પુત્રવધૂ જાગૃતિ કહે છે, ‘બા-બાપુજી બન્ને પોતાનું કામ જાતે જ કરી લે છે. અમારે તેમનું કંઈ જ કરવું પડતું નથી કે નથી કદી તેમના હાથપગ દબાવવા પડતા.’ હરિલાલ અને મંજુલાબહેનને પરિવાર ખૂબ પ્રિય છે. તેઓ કહે છે, ‘બન્ને દીકરા રામ-લક્ષ્મણ છે, બન્ને પુત્રવધૂઓ સીતા-ઊર્મિલા છે અને અમારાં બન્ને પૌત્રો લવ-કુશ છે.’

– નીલા સંઘવી

Source: Midday

Advertisements

Comments

comments