ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વીડિયો ને એડિટ અને તેમનો મજાક ઉડાવતો વીડિયો બનાવવા બદલ બે લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં આ કેસ નોંધવામાં આવ્યો છે. બનાસકાંઠાના ફાંગડી ગામના રહેવાસી ભાવેશ સોઢા અને રાજકુમાર સોઢા સામે માવસારી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે. આ બંને સામે આઈપીસીની કલમ 292, કલમ 469, કલમ 505 અને માનહાનિની કલમ 500 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ગુરુવારે આ કેસ નોંધવામાં આવ્યો છે.
ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, આ જોડીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાષણના ભાગોનું એડિટ કરીને રમૂજી વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો તેણે પોતાની યુટ્યુબ ચેનલ ‘મિસ્ટર બીએસ રાજ કોમેડી’ પર અપલોડ કર્યા છે.
આ વીડિયો અંગે માવસારી પોલીસ મથકના સબ ઈન્સ્પેક્ટર એન.કે.પટેલની ફરિયાદ પર બંને લોકો સામે સરકારને બદનામ કરવા અને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો ગુનો દાખલ કરાયો હતો. આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી.
ફરિયાદમાં જણાવાયું છે કે બંનેએ યુટ્યુબ પર મુખ્યમંત્રીના ભાષણના 6 એડિટ વીડિયો અપલોડ કર્યા છે. આ વીડિયો મુખ્યમંત્રીની રેલીઓ અને સભાઓના ભાષણો પરથી લેવામાં આવ્યા છે અને તેમને સંપાદિત કરીને મિમ્સ ઉમેર્યા છે. આ વીડિયો મે મહિનામાં અપલોડ કરવામાં આવ્યા હતા. આ વીડિયો ખૂબ વાયરલ થયા હતા. પોલીસે આ વીડિયોને યુટ્યુબ ચેનલ પરથી હટાવી દીધા છે.