પૌત્રીઓ સાથે ટેસથી પીત્ઝા આરોગતાં દાદીમાને મળીએ

Please log in or register to like posts.
News

બોરીવલીમાં રહેતાં ૭૭ વર્ષનાં વિમળા મહેતાને ડાયાબિટીઝ કે બ્લડપ્રેશર જેવા કોઈ રોગ નથી ને તદ્દન સ્વાવલંબી જીવન જીવી રહ્યાં છે

બોરીવલી (વેસ્ટ)માં હરિદાસનગરમાં રહેતાં મૂળ સૌરાષ્ટ્રના મહુવાનાં વૈષ્ણવ વણિક વિમળા ઈશ્વરલાલ મહેતાની ઝડપ અને ચપળતા જુઓ તો તમે આફરીન થઈ જાઓ. ૭૭ વર્ષની વયે પણ નવરાં ન બેસવાની તેમની આદત છે. મોજશોખથી રહેવા છતાં તેમની તંદુરસ્તી જળવાઈ રહી છે. જોઈએ તેમના તંદુરસ્તીપૂર્ણ જીવનની વાતો વિસ્તારથી.

જીવનની શરૂઆત

પોતાના જીવનની વાતો કરતાં વિમળાબહેન ભૂતકાળની યાદોમાં સરી પડે છે અને કહે છે, ‘૧૮ વર્ષે મારાં લગ્ન ઈશ્વરલાલ મહેતા સાથે થયાં. તેઓ સરકારી ખેતીવાડી વિકાસ ખાતામાં અધિકારી હતા એટલે અમારી બદલી થતી રહેતી. ખૂબ જ પ્રેમાળ પતિ સાથે હું લગ્નજીવન માણી શકી. અમારું સાસરાનું કુટુંબ પણ ખૂબ જ સારું. બધા ખૂબ સંપ અને પ્રેમથી રહે. મારા પતિની સર્વિસમાં બદલી થતી જ રહે એટલે અમે તો મોટે ભાગે બહારગામ રહેતાં. ઠાકોરજીના આર્શીવાદથી જીવન સરળતાથી વહેતું જ ગયું છે.’

કુટુંબની વાત કરતાં વિમળાબહેન કહે છે, ‘હું ખૂબ જ નસીબદાર છું. મારા પતિનું મૃત્યુ ૧૯૮૧માં થયું. ત્યાર પછી મારા ત્રણ દીકરા અને વહુઓ- કમલેશ અને રેખા, યોગેશ અને બિન્દુ તથા સ્મિતા અને જયેશ મારું ખૂબ જ ધ્યાન રાખે છે. દીકરી-જમાઈ કનક અને સુરેશ પણ ખૂબ જ પ્રેમાળ છે. હું નાના દીકરા જયેશ અને સ્મિતા સાથે રહું છું. મને જરાક શરીરે અસુખ લાગે તો બધાં ખડેપગે હાજર થઈ જાય છે. મારાં બાળકોનો પ્રેમ એટલોબધો છે કે હું સંસારની સુખી મા હોઉં તેવો અનુભવ કરું છું.’

દિનચર્યા

પોતાના કોઈ પણ કામ માટે અન્ય પર આધાર ન રાખનાર વિમળાબહેન પોતાનાં બધાં જ કામ જાતે કરે છે. રોજ સવારે ૭ વાગ્યે ઊઠી ફ્રેશ થઈ યોગા કરે છે જે તેમની તંદુરસ્તીનું રહસ્ય છે. નાસ્તો કરી દોઢથી પોણા બે કલાક ઠાકોરજીની સેવા કરે છે.

પોતાના ઠાકોરજીની વાતો કરતાં કહે તેઓ છે, ‘મને ઠાકોરજીમાં ખૂબ જ શ્રદ્ધા છે. મારા લાલજીનાં વસ્ત્ર, માળા, ફૂલની સેવા બધું હું જાતે કરું છું. પહેલાં તો ઠાકોરજીને ધરાવવાની પ્રસાદી-સામગ્રી પણ હું જાતે બનાવતી.’

સેવા-પૂજા બાદ બપોરે જમી આરામ કરી સાંજે પાંચ વાગ્યે ચા-પાણી પી તૈયાર થઈ વિમળાબહેન ઘરની બહાર નીકળે છે એ વિશે તેઓ કહે છે, ‘સાંજે તૈયાર થઈને બહાર તો જાઉં જ. હવેલી દર્શન કરું, ગાર્ડનમાં રાઉન્ડ મારવા જાઉં. વીર સાવરકર ગાર્ડનના દાદા-દાદી પાર્કમાં હું મેમ્બર છું એટલે એના પ્રોગ્રામમાં જાઉં. મને આળસુની જેમ ઘરમાં બેસવું ગમતું નથી.’

ઘરકામની વાત કરતાં વિમળાબહેન કહે છે, ‘હવે ઘરમાં વહુઓ આવી જવાથી મારે કોઈ કામ કરવું પડતું નથી, પણ જરૂર પડે તો કરી શકું. મહેમાન આવવાના હોય, વહુની તબિયત ખરાબ હોય તો હું મદદ કરું. શાક, સમારવું, કપડાની ગડી કરવી જેવાં નાનાં-નાનાં કામો તો થઈ જ શકે.’

ગુજરાતી સિરિયલ જોવાના શોખીન વિમળાબહેન કહે છે, ‘ટીવી જોવું ગમે. ગુજરાતી સિરિયલ જોઉં, નહીંતર પછી બધા જે જોતા હોય એમાં રસ પડે તો એ પણ જોઉં. છાપું વાંચવું ખૂબ જ ગમે. રોજ સવારે છાપું અને બપોરે ધાર્મિક પુસ્તક વાંચવાનો મારો નિયમ છે.’

શોખ-પ્રવૃત્તિ

ક્યારેય કામ વિના નવરાં ન બેસનારાં વિમળાબહેન કહે છે, ‘મને ઠાકોરજીનાં શણગાર, વસ્ત્રો, રમકડાં વગેરે બનાવતાં આવડે છે. એ બનાવવા મારો શોખ છે અને આજે ઠાકોરજીની કૃપા છે કે હું આ ઉંમરે પણ ઝીણું મોતીકામ કરી શકું છું અને એમનાં મોતીના હિંડોળા, ચોપાટ, શણગાર, તોરણ વગેરે બનાવી અન્ય સ્વજનોના ઠાકરોજીની સેવામાં પધરાવું છું. મને આ કામ કરવું ખૂબ જ ગમે. તન પ્રવૃત્તિમાં રહે છે અને મન પ્રફુલ્લિત રહે છે. ઠાકોરજીની સેવાનું આ કામ મારે મૃત્યુપર્યંત કરવું જ છે.’

પોતાના શોખની વાત કરતાં વિમળાબહેન કહે છે, ‘મને ફરવાનો બહુ શોખ છે. હું ભારતભરનાં જાત્રાનાં સ્થળોએ ગઈ છું. ચારધામ, સૌરાષ્ટ્રની બધી બેઠકજીઓ, ગોકુળ-મથુરા-શ્રીનાથજી, કચ્છ, નારાયણ સરોવર જેવ અનેક સ્થળોએ યાત્રા કરવાનું સદ્ભાગ્ય મને મળ્યું છે. થોડા વખત પહેલાં જ વહુ-દીકરા સાથે સિંગાપોર પણ ફરવા ગઈ હતી. ઘરમાં જે પણ બહારગામ ફરવા જાય તેની સાથે હું જાઉં જ અને બધા મને પ્રેમથી સાથે લઈ જાય. અમે હમણાં જ દિવાળી વેકેશનમાં બધા ફુલ ફૅમિલી શ્રીનાથજી ગયા હતા. શ્રીનાથજીની ગરદીમાં બધા યુવાનો ડરી જાય ત્યાં પણ મેં તો કોઈ તકલીફ વિના આનંદથી દર્શન કયાર઼્ હતાર઼્. હું હવે મોટા દીકરા સાથે અમદાવાદ, સાસણગિર ફરવા જવાની છું.’

પોતાની વસ્તુઓના શૉપિંગની વાત કરતાં વિમળાબહેન કહે છે, ‘પહેલાં હું શૉપિંગમાં જાતે જતી, પણ હવે મારાં કપડાં અને અન્ય વસ્તુઓ વહુઓ લઈ આવે છે. ઠાકોરજીની વસ્તુઓ લેવા હું મલાડ-કાંદિવલી જાઉં છું અને મોટે ભાગે તો શ્રીનાથજી જાઉં ત્યાંથી ખરીદી કરતી જ આવું છું.’

તંદુરસ્ત જીવનનું રહસ્ય

પોતાની તંદુરસ્તીનું રહસ્ય જણાવતાં વિમળાબહેન કહે છે, ‘ખાવામાં બહુ ધ્યાન રાખું છું. ખટાશવાળું અને આથાવાળું ખાતી નથી. સાદું ભોજન ખાઉં છું.’ પછી હસતાં-હસતાં પાછું તેઓ કહે છે, ‘આમ તો સાદું ખાઉં છું, પણ પિત્ઝા ખૂબ ભાવે એટલે પૌત્રીઓ કહે બા ચાલો, પિત્ઝાહટમાં પિત્ઝા ખાવા જઈએ તો હોંશથી સાથે પહોંચી જાઉં છું. સાથે હોટેલમાં જવું, ફરવા જાઉં અને બધાની સાથે આનંદથી અને પ્રવૃત્તિમાં રહેવું તેમ જ ઈશ્વરસેવા કરવી વગેરે તંદુરસ્તીનું રહસ્ય છે.’

પોતાના કુટુંબમાં પ્રેમ અને સંપ જાળવી રાખનાર વિમળાબહેન કહે છે, ‘જો શાંતિથી જીવવું હોય તો લેટ ગો કરવું જોઈએ. અત્યારના જમાના પ્રમાણે બધી છૂટ આપી બધું સ્વીકારી ઠાકરોજી જે કરાવે, જેમ રાખે તેમ રહેવું એ જ મારો જીવનમંત્ર છે.’

Fit n Fine @ 75+ – હેતા ભૂષણ

Advertisements

Comments

comments