...

ગૌતમ ગંભીર: ‘મારી સફળતાઓ ભૂલવી ન જોઈએ’, હાર બાદ ભવિષ્યના સવાલ પર કોચ ગંભીરનો BCCI પર મોટો દાવો.

Join our WhatsApp group

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર હાલ આલોચનાનો શિકાર બની રહ્યા છે. ગુવાહાટી ટેસ્ટ દરમિયાન ભારતીય બેટિંગ લાઇન-અપના કંગાળ પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર ગંભીરને કોચ પદેથી હટાવવાની માંગ ઉઠી હતી. હવે જ્યારે ટીમ ઈન્ડિયાએ 2 મેચની ટેસ્ટ શ્રેણી 0-2 થી ગુમાવી દીધી છે, ત્યારે ગંભીરના ભવિષ્ય પર સવાલો ઉભા થયા છે. જોકે, આ મુદ્દે ગંભીરે પોતાની ચૂપ્પી તોડી છે અને સ્પષ્ટ કર્યું છે કે તેમના ભવિષ્યનો નિર્ણય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) લેશે.

13 મહિનામાં બીજી ઘરેલુ શ્રેણી ગુમાવી

ભારતને ઘરઆંગણે ફરી એકવાર શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાએ ગુવાહાટી ટેસ્ટમાં 408 રનથી જીત મેળવીને 2 મેચની શ્રેણીમાં ભારતનો વ્હાઇટવોશ કરી દીધો છે. કોલકાતા ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ 30 રનથી જીત મેળવી હતી. ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકાએ 549 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે ભારતીય ટીમ બીજી ઈનિંગમાં માત્ર 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 13 મહિનામાં આ બીજી વખત છે જ્યારે કોઈ ટીમે ભારતને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું હોય. અગાઉ ઓક્ટોબર-નવેમ્બર 2024માં ન્યુઝીલેન્ડે ભારતને 3-0 થી હરાવ્યું હતું.

ભવિષ્ય અંગે આપ્યો સ્પષ્ટ જવાબ

ગંભીરે પોતાના ભવિષ્ય અંગેના સવાલ પર સીધો જવાબ આપતા કહ્યું કે લોકોએ તેમના કાર્યકાળ દરમિયાન ટીમે મેળવેલી સફળતાઓને ભૂલવી ન જોઈએ. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું, ‘BCCI મારા ભવિષ્યનો નિર્ણય કરશે, પરંતુ હું એ જ વ્યક્તિ છું જેણે તમને ઇંગ્લેન્ડ સામે અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોચ તરીકે પરિણામો આપ્યા છે.’ ગંભીરના કોચિંગ હેઠળ ભારતે વર્ષની શરૂઆતમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી અને ઇંગ્લેન્ડ સામેની 5 મેચની શ્રેણી 2-2 થી ડ્રો કરાવી હતી.

હારની જવાબદારી સ્વીકારી

ગંભીરે હારની જવાબદારી સ્વીકારતા કહ્યું કે, “દોષ સૌનો છે અને તેની શરૂઆત મારાથી થાય છે. અમારે સારું રમવું જોઈતું હતું. 95/1 થી 122/7 નો સ્કોર થવો સ્વીકાર્ય નથી. તમે કોઈ એક ખેલાડી કે એક શોટને દોષ ન આપી શકો. ભૂલ બધાની છે. હું ક્યારેય કોઈ એક વ્યક્તિને ખોટો નહીં ઠેરવું અને તેમ કરવા પણ નહીં દઉં.”

ગંભીરના કોચિંગમાં ભારતે 10 ટેસ્ટ ગુમાવી

ગૌતમ ગંભીરના કોચિંગ કાર્યકાળમાં ભારતે 18માંથી 10 ટેસ્ટ મેચ ગુમાવી છે, જેમાં ગયા વર્ષે ન્યુઝીલેન્ડ સામેના ક્લીન સ્વીપનો પણ સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકા સામેની ગુવાહાટી ટેસ્ટમાં ભારતને રનની દ્રષ્ટિએ સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમમાં સતત ફેરફારો અને ખાસ કરીને રેડ-બોલ ફોર્મેટમાં વધુ ઓલરાઉન્ડરો રમાડવાની તેમની રણનીતિને કારણે ગંભીરની આલોચના થઈ રહી છે. ગંભીરે બચાવમાં કહ્યું કે, “ટેસ્ટ ક્રિકેટ રમવા માટે તમારે માત્ર પ્રતિભાશાળી ક્રિકેટરોની જરૂર નથી, પરંતુ મજબૂત વ્યક્તિત્વ ધરાવતા ખેલાડીઓની જરૂર છે.”

Join our WhatsApp group

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨