અમેરિકાના ન્યૂજર્સી રાજ્યમાં એક ગુજરાતી વેપારી રાતોરાત ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ન્યૂજર્સીના યુનિયન સિટીમાં આવેલા સ્ટોરમાંથી એક લોટરી ટિકિટ વેચાઈ હતી, જેના પર $90 મિલિયન (લગભગ 760 કરોડ રૂપિયા) નો મેગા મિલિયન્સ જેકપોટ લાગ્યો છે. આ લકી સ્ટોરના માલિક એક ગુજરાતી છે, જેમનું નામ ક્રિશ પટેલ છે.
ગુજરાતી સ્ટોર માલિકને થયો ફાયદો ક્રિશ પટેલ છેલ્લા 11 વર્ષથી એટલે કે 2014થી યુનિયન સિટીના બર્જનલાઈન એવેન્યૂમાં આ સ્ટોર ચલાવે છે. જ્યારે તેમના સ્ટોરમાંથી વેચાયેલી ટિકિટ પર જેકપોટ લાગ્યો, ત્યારે લોટરીના નિયમો અનુસાર સ્ટોર માલિકને પણ બોનસ મળે છે. આ કિસ્સામાં, વિનિંગ ટિકિટ વેચવા બદલ ક્રિશ પટેલને કમિશન તરીકે $30,000 (લગભગ 25 લાખ રૂપિયા) મળશે. ક્રિશ પટેલે જણાવ્યું કે તેમને સવારે સાડા છ વાગ્યે આ ખુશખબર મળી હતી.
જેકપોટ વિજેતાને કેટલી રકમ મળશે? જે વ્યક્તિએ આ જેકપોટ જીત્યો છે તે હજુ સુધી જાહેરમાં આવી નથી. જોકે, $90 મિલિયનના ઈનામની કેશ વેલ્યૂ (રોકડ રકમ) ટેક્સ કપાત બાદ આશરે $41 મિલિયન જેટલી થાય છે. ન્યૂજર્સી લોટરીના ઈતિહાસમાં 2018 પછી આ આઠમી વખત છે જ્યારે મેગા મિલિયન્સ અથવા પાવરબોલનો જેકપોટ અહીં વેચાયો હોય.
સ્ટોરનું નસીબ પણ ચમક્યું જ્યારે કોઈ સ્ટોરમાંથી મોટા ઈનામવાળી લોટરી ટિકિટ વેચાય છે, ત્યારે લોકો તેને ‘લકી સ્ટોર’ માનવા લાગે છે. આનાથી સ્ટોર પર ગ્રાહકોની ભીડ વધે છે અને વેચાણમાં પણ વધારો થાય છે. લોટરી ખરીદવા આવતા ગ્રાહકો ઘણીવાર અન્ય વસ્તુઓ પણ ખરીદે છે, જેનાથી સ્ટોર માલિકને ફાયદો થાય છે.
લોટરીના નિયમો શું છે? ન્યૂજર્સીમાં 18 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ લોટરી રમી શકે છે. $600 થી વધુની ઇનામી રકમ માટે ક્લેમ ફોર્મ ભરવું પડે છે અને જો રકમ $5,000 થી વધુ હોય તો ફેડરલ ટેક્સ પણ ચૂકવવો પડે છે. વિજેતા પાસે ઇનામનો દાવો કરવા માટે એક વર્ષનો સમય હોય છે.