નાગપાંચમના દિવસે નાગ પૂજાનું અલૌકિક મહત્વ, દુઃખમાંથી મળશે મુક્તિ

Please log in or register to like posts.
News

અમદાવાદ- શ્રાવણ વદ પાંચમને નાગ પંચમી તરીકે ઓળખવામાં આવે છે. આપણાં ત્યાં નાગ દાદાનું ખૂબ મહત્વ છે. દરેકના કુળમાં પોતાના એક નાગ દેવતા તો હોય જ છે. જ્યોતિષ તેમ જ ધર્મશાસ્ત્રમાં પંચમ તિથિના સ્વામી નાગદેવતા છે. વર્ષ દરમિયાન લગભગ મોટાભાગની પાંચમ તિથિ ભારતના કોઈને કોઈ પ્રદેશમાં નાગ પંચમી તરીકે પૂજાય છે. આજે chitralekha.com પર વાત કરીશું નાગ પાંચમ અંગેની કથાની.

પહેલાંના સમયની વાત છે. એક શેઠાણીને સાત પુત્રો હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની વિદૂષી અને સુશીલ હતી. પરંતુ તેને ભાઈ નહોતો. એક દિવસે મોટી વહુએ ઘર લીંપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું. બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી. ત્યાં જ એકદમ એક સાપ નીકળ્યો જેને મોટી વહુ મારવા માંડી. નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી – તેને ન મારતાં તે તો નિર્દોષ છે. આથી મોટી વહુ એ તેને ન માર્યો. નાગ પણ બાજુ પર ખસી ગયો. નાની વહુએ સાપને કહ્યું કે ‘ અમે હમણાં જ પાછા ફરી રહ્યાં છે, તમે અહીંથી જશો નહી.’ આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળી. અને પછી તો તે ઘરના કામકાજમાં સાપને આપેલું વચન પણ ભૂલી ગઈ.

તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી. અને સાપને ત્યાં જ બેસેલો જોઈને બોલી સાપભાઈ પ્રણામ. સાપ બોલ્યો ‘ તે મને ભાઈ કહ્યું છે તેથી જવા દઉં છું નહી તો ખોટી વાત કરવા માટે હું તને હમણાં જ ડંખ મારી દેતો.  તે બોલી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ત્યારે સાપ બોલ્યો કે સારું આજથી તું મારી બહેન છે, અને હું તારો ભાઈ છું, બોલ બહેન તારે શું જોઈએ છીએ તું માગીશ તે હું તને આપીશ. બહેન બોલી કે ભાઈ મારું કોઈ નથી. સારું થયું કે તમે મારા ભાઈ બની ગયાં.

થોડાક દિવસો વીત્યા પછી સાપ માણસનું રૂપ લઈને આવ્યો અને બોલ્યો કે મારી બહેનને મોકલી આપો. બધાએ કહ્યું કે ‘ આનો તો કોઈ ભાઈ નથી. તો તે બોલ્યો હું તેનો દૂરનો ભાઈ છું. બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો. તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી. તેણે રસ્તામાં બહેનને  કહ્યુ કે બહેન હું તે જ સાપ છું જેને તે ભાઈ બનીને આવવા કહ્યું હતું.પણ બહેન તું ગભરાઈશ નહીં. તને જ્યાં પણ ચાલવામાં તકલીફ પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે બહેન. બહેને પોતાના ભાઈ સાપના કહ્યાં અનુસાર તેમ જ કર્યુ અને થોડીજ વારમાં તેઓ સાપના ઘરે પહોંચી ગયા. બહેન જેવી સાપના ઘરે પહોંચી કે તરત જ ત્યાંનું ધન-ઐશ્વર્ય જોઈને બહેન ચકિત થઈ ગઈ.

એક દિવસ સાપની માતાએ તે દીકરીને કહ્યું કે દીકરી હું એક કામથી બહાર જાઉં છું, તું તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે. પરંતુ બહેન માતાએ કહેલી વાત ભૂલી ગઈ અને ભાઈને ગરમ દૂધ પીવડાવી દીધુ. ગરમ દૂધ પીવાના કારણે સાપનું મો બળી ગયું. સાપની માતાને ગુસ્સો આવ્યો પરંતુ સાપે માતાને ચૂપ રહેવા કહ્યું. અને પછી આ દીકરીને ઘણું-ધું સોનુ, ચાંદી, હીરા અને ઝવેરાત આપીને તેના સાસરિયે વળાવવામાં આવી.

પોતાના પીયરથી આટલું બધું સોનુ લઈને આવેલી નાની વહુને જોઈને મોટી વહુને ઈર્ષા થઈ અને તે બોલી કે તારો ભાઈ તો ખૂબ ધનવાન છે. તારે તારા ભાઈ પાસેથી બીજું ધન પણ લેવું જોઈએ. સાપે આ વાત સાંભળીને પોતાની બહેનને વધારે ધન લાવી આપ્યુ. વધારે ધન આવેલું જોઈને મોટી વહુથી હજીય ન રહેવાયું અને તે બોલી કે દેરાણી આ કચરો કાઢવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ. સાપ ભાઈએ આ વાત સાંભળીને પોતાની બહેનને સાવરણી પણ સોનાની લાવી આપી.

સાપે પોતાની બહેનને પિયરથી જ્યારે સાસરે વળાવી ત્યારે તેને એક સુંદર હીરામોતીનો હાર આપ્યો હતો. એક સમયે તે દેશની રાણીએ આ હારની ખૂબ પ્રશંસા સાંભળી અને રાણીને તે હાર પહેરવાની લાલસા જાગી. રાણીએ રાજાને કહ્યું કે રાજા શેઠની નાની વહુ જોડે જે હીરા-મોતીનો હાર છે તે જ હાર મને લાવી આપો. રાજાએ રાણીની માગણી સાંભળીને મંત્રીને હુકમ કર્યો કે જલદી જ શેઠના ઘરેથી તેની નાની વહુનો હાર લાવી આપો. શેઠજીએ ગભરાઈને તેની નાની વહુનો હાર તેની પાસેથી લઈને મંત્રીજીને આપી દીધો. નાની વહુને આ વાત જાણીને ખુબ દુઃખ લાગ્યું અને તેણે પોતાના ભાઈને યાદ કર્યો. ભાઈને યાદ કરતા જ ભાઈ આવ્યાં. બહેને ભાઈને કહ્યું કે ભાઈ દેશની રાણીએ મારો હાર છીનવી લીધો છે. તમે કંઈક એવું કરો કે જેનાથી રાણી જેવો હાર ગળામાં પહેરે કે તરત જ તે હાર સર્પ બની જાય. સાપે બહેનની વાત સાંભળી અને જેવો રાણીએ હાર પહેર્યો કે તરત જ તે હાર સાપ બની ગયો. આ જોઈને રાણી ગભરાઈ ગઈ અને સમગ્ર બનાવ અંગેની વાત રાજાને કરી. રાજાએ વાત સાંભળતા જ શેઠની નાની વહુને બોલાવી અને કહ્યું કે સાચું બોલ તે શું જાદુ કર્યું છે. શેઠની નાની વહુએ કીધું  કે રાજા આ હાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી તે હીરાનો રહે અને જેવો બીજાના ગળામાં જાય કે તરત જ સાપ બની જાય. રાજાએ વહુના હાથમાં સાપ બનેલો હાર આપ્યો અને કહ્યું કે લે તું મારી સામે જ આને પહેરી બતાવ નાની વહુએ જેવો હારને ગળામાં નાખ્યો અને તરત જ સાપ બનેલો તે હાર ફરીથી હીરામોતીનો હાર બની ગયો.

આ દ્રશ્ય જોઈને રાજા પ્રસન્ન થયાં અને તે હાર શેઠના ઘરની નાની વહુને પાછો આપી દીધો. રાજાએ નાની વહુને હાર તો આપ્યો પરંતુ સાથે  ઘણી સોનામહોરો પણ આપી. હવે એક સમયે નાની વહુ પાસે આવેલું આટલું બધું ધન જોઈને મોટી વહુને ઈર્ષા આવી અને તેણે તેના પતિની કાન ભંભેરણી કરી અને કહ્યું કે નાની વહુને પૂછો કે તે આટલું બધું ધન ક્યાંથી લાવે છે. પતિએ નાની વહુને કહ્યું કે બોલ તું આટલું બધું ધન ક્યાંથી લાવે છે. નાની વહુએ તરત જ પોતાના ભાઈને યાદ કર્યો. સાપભાઈ  પ્રગટ થયાં અને પોતાની બહેન પર કોઈએ આંગળી ચીંધી હોવાથી તે ગુસ્સે થયાં અને બોલ્યા કે જે કોઈ વ્યક્તિ મારી બહેનના ચરિત્ર પર શંકા કરશે તેને હું ખાઈ જઈશ. નાની વહુના પતિને પોતે કરેલી ભૂલનો અહેસાસ થયો. નાની વહુનો પતિ પોતાની પત્નીના આ ભાઈને જોઈને ખુશ થયો અને તેણે સાપભાઈનો સત્કાર કર્યો. બસ આજ દિવસથી નાગપંચમીના તહેવારને ઉજવવામાં આવે છે અને સ્ત્રીઓ પોતાના ભાઈને સાપ માનીને તેની પૂજા કરે છે.

સ્તોત્ર: ચિત્રલેખા

Advertisements

Comments

comments