હાઈલાઈટ્સ
યાત્રાધામ પાવાગઢ ખાતે એક મોટી દુર્ઘટના બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર માચી નજીક યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવવામાં આવેલી પથ્થરની કુટીરનો ઘૂમ્મટ તૂટી પડતાં નીચે આરામ કરી રહેલા 9 જેટલા યાત્રિકો દટાયા હતા. જેમાંથી એકનું કરૂણ મોત થયાની વિગતો પ્રાપ્ત થઈ છે. બનાવને પગલે સ્થાનિક પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને અંગે પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઘટના બની ત્યારે સામાન્ય વરસાદ પણ પડતો હતો, જેથી વીજળી પડવાને કારણે પથ્થરનો ઘુમ્મટ ધરાશાયી થઈ હોવાની પણ ચર્ચા છે. ઈજાગ્રસ્તોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. (રિપોર્ટ-દક્ષેશ શાહ)
મૃતક અને ઈજાગ્રસ્તોની યાદી
- ગંગાબેન દેવીપૂજક (40 વર્ષ)
- મીનાબેન પલાસ (21 વર્ષ)
- રાજવંશ દેવીપૂજક (21 વર્ષ)
- સુમિત્રાબેન રાઠવા (18 વર્ષ)
- વિજયભાઈ દેવીપૂજક (25 વર્ષ)
- મારીબેન દેવીપૂજક (5 વર્ષ)
- દીપકભાઈ દેવીપૂજક (28 વર્ષ)
- સોનલબેન દેવીપૂજક (30 વર્ષ)
- દક્ષ દેવીપૂજક (2 વર્ષ)
વીજળી પડતા ઘટના બની હોવાની માહિતી
પંચમહાલ જિલ્લામાં હાલ પાવાગઢ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી વાતાવરણ હોવાના પગલે લોકો અહીં રોકાયેલા હતા. આ દરમિયાન વીજળી પડવાને કારણે વિશ્રામ કુટીરનો એક ભાગ તૂટી પડ્યો હોવાની ચર્ચા છે. ઘટનામાં પથ્થરની કુટિરના ઘુમ્મટના કાટમાળ નીચે 10થી વધુ લોકો દબાયા હતા. ઈજાગ્રસ્તોને હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે ઈજાગ્રસ્તોના પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
કાટમાળ દૂર કરીને દટાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું
ઘટનામાં એક મહિલા શ્રદ્ધાળુનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પથ્થરના કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બનાવને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક તંત્ર સાથે મળીને કાટમાળ હટાવવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લા કલેક્ટરે આપ્યા તપાસના આદેશ
બનાવને પગલે પંચમહાલ જિલ્લા કલેક્ટરે રિપોર્ટ તૈયાર કરવાની વાત કરી છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર જે સ્ટ્રક્ચર ધરાશયી થયું છે, તે એકાદ વર્ષ પહેલાં જ બન્યું હતું. સાથે જ અન્ય સ્ટ્રક્ચરો પણ ચેક કરવામાં આવશે. ઘટના કુદરતી હતી કે કોઈની બેદરકારી હતી, તે અંગે તપાસ થશે. ઘટનામાં કોઈ બેદરકારી હશે તો પગલા લેવાશે. વહીવટી ટીમ ચકાસણી કરી રહી છે. આ ઉપરાંત કલેક્ટરે લોકોને અફવાથી દૂર રહેવાની પણ અપીલ કરી હોવાનું જાણવા મળ્યું છે.
(Disclaimer: This story is auto-generated from a syndicated feed; only the image & headline may have been reworked by www.jobaka.in)