સોમનાથને પહેરાવાશે સૌથી ગંજાવર કાઠિયાવાડી પાઘડી

Please log in or register to like posts.
News

રંગ લાગ્યો ભોળાને કાઠિયાવાડનો !

આ વખતની કાર્તકી પૂનમ સોમનાથ માટે અલગ નજારો લઇને આવી છે.સામાન્ય જેમ ગીરનારની પરીક્રમા દેવદિવાળીના દિવસે શરૂ થાય છે એ જ પ્રમાણે ભગવાન સોમનાથના સાનિધ્યમાં પણ આ દિવસથી મેળાનો અને ઉત્સવનો પ્રારંભ થાય છે.

કારણ કે, ગિરનારની પરિક્રમા કરીને આવતા યાત્રિકો સોમનાથના દર્શન કરવા આવે છે.એમાંયે પૂનમનો દિવસ એટલે પરિક્રમાની પૂર્ણાહુતી ! આ દિવસે અસંખ્ય લોકો પરિક્રમા પૂર્ણ કરીને સોમનાથ આવે છે.

સોમનાથમાં મેળો ભરાય છે અને ભગવાન સોમનાથની રાત્રે બાર વાગ્યે મહાઆરતી થાય છે.આ વખતે સોમનાથના દર્શન ખાસ છે.વાંચો કારણ – રાજકોટના ધર્મરાજસિંહ વાઘેલા દ્વારા ૧૨૦ મીટર કાપડમાંથી વિશ્વની સૌથી મોટી આંટીયાળી કાઠિયાવાડી પાઘડી બનાવવામાં આવી છે.

જેની લંબાઇ ૩૦ મીટર, પહોળાઇ ૨ મીટર છે, જ્યારે સાત ફૂટનો ઘેરાવો છે. આ ગંજાવર પાઘડી આ વખતે કાર્તિકી પૂર્ણિમાના દિવસે જ્યારે ગિરનારની પરીક્રમા કરીને યાત્રિકો સોમનાથ દર્શને આવશે અને મહા ઉત્સવ યોજાશે ત્યારે ભગવાન સોમનાથને પહેરાવવામાં આવશે ! જગતનાથ શિવજી અસલ કાઠિયાવાડી જ લાગશે……!!!!

👉 આ પ્રસંગ નિમિત્તે એક કાવ્ય –

જગ આખાની જોરાવર પાઘડી પહેરીને જાણે બન્યો છે ગુજરાતી ગુર્જરવાડનો !

રંગ લાગ્યો ભોળાને કાઠિયાવાડનો !

રંગ લાગ્યો ભોળાને કાઠિયાવાડનો !

 

કંઇક આવેલ ગરજનો છતાં ઊભો છે અડીખમ,

ને લગીરે ડર નથી લૂંટારાની ધાડનો !

રંગ લાગ્યો ભોળાને કાઠિયાવાડનો !

 

સોમનાથના શરણમાં ગાજે છે સમંદર,

ને છેક ગગને પહોંચ્યો છે નાદ એની ત્રાડનો !

રંગ લાગ્યો ભોળાને કાઠિયાવાડનો !

 

આંધીઓમાં અડગ છે મહામેરુ પ્રાસાદ,

અરે આ પરિશ્રમ છે ભારતના રગત અને હાડનો !

રંગ લાગ્યો ભોળાને કાઠિયાવાડનો !

 

લહેરાતી ધજા જાણે રાણી છે સમંદરની,

ને દાદો સોમૈયો તો ભૂખ્યો ભાવિકોના લાડનો !

રંગ લાગ્યો ભોળાને કાઠિયાવાડનો !

 

જગ આખાની જોરાવર પાઘડી પહેરીને જાણે બન્યો છે ગુજરાતી ગુર્જરવાડનો !

રંગ લાગ્યો ભોળાને કાઠિયાવાડનો !

– Kaushal Barad.

॥જય સોમનાથ॥

 

Advertisements

Comments

comments