અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સત્તામાં આવ્યા બાદ ગેરકાયદેસર ઈમિગ્રેશન સાથે કાયદેસર ઈમિગ્રેશન પર પણ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે, જેના કારણે વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા અને સિટીઝનશિપ ધરાવતા ભારતીયોને પણ હવે વંશીય ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલાના સમયમાં રેસિઝમની ઘટનાઓ એરપોર્ટ કે સબવે સુધી સીમિત હતી, પરંતુ ટ્રમ્પ 2.0ના શાસનમાં સોશિયલ મીડિયા નફરત ફેલાવવાનું મુખ્ય પ્લેટફોર્મ બની ગયું છે. સીએનએનના કલ્ચર રાઈટર હરમિત કૌરના જણાવ્યા મુજબ, કાશ પટેલ અને નિક્કી હેલી જેવા હાઈ-પ્રોફાઈલ ઈન્ડિયન-અમેરિકન્સને પણ કટ્ટરપંથી તત્વો દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વંશીય હુમલાઓનું પ્રમાણ એટલું વધી ગયું છે કે હવે ઓફલાઈન જીવનમાં પણ તેની અસર જોવા મળી રહી છે.
ખાસ કરીને દિવાળીના તહેવાર દરમિયાન આ નફરત ચરમસીમાએ પહોંચી હતી. જ્યારે કાશ પટેલે ‘એક્સ’ (ટ્વિટર) પર દિવાળીની શુભેચ્છાઓ પાઠવી, ત્યારે ફાર-રાઈટ ક્રિશ્ચિયન નેશનાલિસ્ટ અને વ્હાઈટ નેશનાલિસ્ટ જૂથો દ્વારા તેમના પર અત્યંત અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. યુઝર્સે તેમને પોતાના દેશ પાછા જવાની અને ત્યાં જઈને પૂજા કરવાની સલાહ આપી હતી. આ જ પ્રકારનો અનુભવ નિક્કી હેલી, વિવેક રામાસ્વામી અને સિવિલ રાઈટ્સ એટર્ની હરદીપ ધિલ્લોન સાથે પણ થયો હતો. વ્હાઈટ હાઉસ અને વિવિધ રાજ્યોના ગવર્નરો દ્વારા દિવાળીની પોસ્ટ મૂકવામાં આવતા ટ્રોલર્સે તેમને પણ નિશાન બનાવ્યા હતા. ટ્રમ્પના કટ્ટર સમર્થકો દ્વારા કરવામાં આવતા આ પ્રકારના હુમલાઓથી ઘણા ઈન્ડિયન-અમેરિકન કન્ઝર્વેટિવ્સ પણ આઘાતમાં છે, કારણ કે હવે ખુલ્લેઆમ એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે અમેરિકા પર માત્ર શ્વેત ખ્રિસ્તીઓનો જ અધિકાર છે.
વિશ્વભરમાં વધી રહેલી એન્ટી-ઈમિગ્રન્ટ ચળવળમાં ભારતીયો લેટેસ્ટ ટાર્ગેટ બન્યા છે. ઓક્ટોબર 2025માં માત્ર અમેરિકામાં જ ભારતીયો વિરુદ્ધ રેસિઝમ અને ઝેનોફોબિયા ફેલાવતી આશરે 2700 જેટલી પોસ્ટ્સ ટ્રેક કરવામાં આવી હતી. જ્યારથી ઈલોન મસ્કે ટ્વિટરનો કબજો લીધો છે અને ‘ફ્રી સ્પીચ’ના નામે કન્ટેન્ટ મોડરેશન હળવું કર્યું છે, ત્યારથી ભારતીયો વિરુદ્ધ ગમે તેવી અભદ્ર પોસ્ટ મૂકવામાં આવી રહી છે. ભારત અને અમેરિકા વચ્ચેના ટ્રેડ વોર અને ફ્લોરિડામાં એક પંજાબી વ્યક્તિ દ્વારા થયેલા અકસ્માત જેવી ઘટનાઓએ આ નફરતમાં વધારો કર્યો છે. આ ઉપરાંત, H-1B વિઝાના સૌથી મોટા લાભાર્થી ભારતીયો હોવાથી, ટ્રમ્પના સમર્થકો આ પ્રોગ્રામને જ બંધ કરી દેવાની માંગ કરી રહ્યા છે અને ભારતીયોને સ્કેમર્સ તરીકે ચીતરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ફેલાયેલી આ નફરત હવે વાસ્તવિક જીવનમાં પણ જોખમી બની રહી છે. ભારતીયો પર અમેરિકનોની નોકરીઓ છીનવી લેવાનો, ગંદકી ફેલાવવાનો અને માત્ર પોતાની જ જ્ઞાતિના લોકોને કામ આપવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. સ્થિતિ એટલી ગંભીર બની છે કે ફ્લોરિડાના એક કાઉન્સિલ મેમ્બરે તમામ ભારતીયોને ડિપોર્ટ કરવાની માંગ કરી હતી. તે જ રીતે, ડલાસમાં દેખાવકારોએ “ટેક્સાસને ઇન્ડિયા ના બનાવો” જેવા સ્લોગન સાથે વિરોધ પ્રદર્શન કર્યા હતા. સફળ ભારતીયો પણ હવે ‘MAGA’ (Make America Great Again) સમર્થકોના નિશાના પર છે, અને H-1B વિઝાને સ્કેમ ગણાવી વિદેશીઓને હાંકી કાઢવાની ઝુંબેશ જોર પકડી રહી છે.
