અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની બીજી ટર્મ શરૂ થતાં જ ગેરકાયદેસર વસવાટ કરતા ભારતીયોને પાછા મોકલવાની પ્રક્રિયા (Deportation) અત્યંત ઝડપી બની ગઈ છે. ચાલુ વર્ષે અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયોની સંખ્યાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બરના સમયગાળા દરમિયાન 3,258 ભારતીયોને અમેરિકાએ ડિપોર્ટ કર્યા છે. ઈતિહાસમાં પહેલીવાર કોઈ એક વર્ષમાં આટલી મોટી સંખ્યામાં ભારતીયોને અમેરિકાથી પાછા મોકલવામાં આવ્યા છે.
ડિપોર્ટેશનના આંકડા અને વિગતો વિદેશ મંત્રીએ માહિતી આપી હતી કે 2009થી અત્યાર સુધીમાં કુલ 18,822 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. 2025માં જે 3,258 ભારતીયોને પાછા મોકલાયા છે, તેમાં 2,032 લોકોને રેગ્યુલર કોમર્શિયલ ફ્લાઈટમાં અને 1,226 લોકોને સ્પેશિયલ ચાર્ટર ફ્લાઈટ દ્વારા ભારત પરત મોકલાયા છે. અગાઉ ટ્રમ્પની પ્રથમ ટર્મના ચાર વર્ષમાં કુલ 6,135 ભારતીયો ડિપોર્ટ થયા હતા, જેમાં 2019માં સૌથી વધુ 2,042 લોકો હતા. જ્યારે ઓબામાના આઠ વર્ષના કાર્યકાળમાં 5,777 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.
ગેરકાયદેસર ઘૂસણખોરીમાં ઘટાડો અમેરિકાથી ડિપોર્ટ થયેલા લોકોમાં ગુજરાતીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. જોકે, હવે ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના કિસ્સાઓમાં 90 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બર 2025માં વેસ્ટ ઈન્ડિઝના ગ્રેનેડામાં પાંચ ગુજરાતીઓની ધરપકડ થઈ હતી, જે ગુજરાતના એક નામચીન એજન્ટ દ્વારા મોકલાયા હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત કેનેડાના સ્ટુડન્ટ કે વિઝિટર વિઝા પર જઈને બોર્ડર ક્રોસ કરવાના પ્રયાસો પણ ચાલુ છે, પરંતુ તેમાં મોટો ઘટાડો થયો છે.
ભારતીય વિદ્યાર્થીઓ અને વિઝાની સમસ્યા વિદેશ મંત્રીએ સ્વીકાર્યું હતું કે એપ્રિલ 2025માં અમેરિકાએ નવી પોલિસી લાગુ કર્યા બાદ ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી છે. સાવ સામાન્ય કારણોસર પણ વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવી રહ્યા છે અને તેમને ‘સેલ્ફ ડિપોર્ટેશન’ (સ્વેચ્છાએ દેશ છોડવા) માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. હાલના દિવસોમાં અમેરિકા ભારતીયોની વિઝા એપ્લિકેશન પણ મોટી સંખ્યામાં રિજેક્ટ કરી રહ્યું છે.
અમાનવીય વ્યવહાર સામે ભારતનો વિરોધ સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમનના સવાલ પર વિદેશ મંત્રીએ પંજાબી મહિલા હરજિત કૌરના ચર્ચાસ્પદ ડિપોર્ટેશન કેસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે હરજિત કૌર સાથે જેલમાં અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું. તેમને 70 કલાક સુધી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં સૂવા માટે બેડ પણ નહોતો અને દવા લેવા માટે પાણીને બદલે બરફ આપવામાં આવ્યો હતો. ભારત સરકારે આ મુદ્દે અમેરિકન એમ્બેસી સમક્ષ સખત વાંધો વ્યક્ત કર્યો છે.