અમેરિકામાં થયેલી હિટ એન્ડ રન અકસ્માતમાં મૂળ પાટણના દર્શિલ ઠક્કર નામના યુવકનું કમકમાટીભર્યું મોત

પાટણ: અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં થયેલી હિટ એન્ડ રન અકસ્માતમાં મૂળ પાટણના ૨૪ વર્ષીય દર્શિલ ઠક્કર નામના યુવકનું કમકમાટીભર્યું મોત થયું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ગેલેરિયા વિસ્તારમાં થયેલા હિટ-એન્ડ-રન અકસ્માતમાં દર્શિલને કારે ટક્કર મારી હતી અને તેને ઘણું દૂર સુધી ખેંચી લઈ ગઈ હતી. ત્યારબાદ તે અન્ય વાહનો નીચે પણ કચડાઈ ગયો, પરંતુ એ સમયે કોઈએ પણ ત્યાં થંભીને મદદ કરવાનો પ્રયાસ કર્યો ન હતો. આ ઘટના પ્રકાશમાં ત્યારે આવી જ્યારે એક મહિલાએ પોલીસને ફોન કર્યો હતો. ત્યારબાદ તપાસકર્તાઓએ હિટ-એન્ડ-રનના સ્થળથી લગભગ ૧૪ માઇલ દૂર એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાંથી લોહીથી ભરેલી અને ક્ષતિગ્રસ્ત કાર મળી આવી હતી. આ ઘટનામાં જવાબદાર ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, દર્શિલના મૃત્યુથી તેના પરિવારજનોમાં શોકની લાગણી છે.

અમેરિકામાં હિટ એન્ડ રનમાં પાટણના યુવકનું મૃત્યુ

મીડિયા રિપોર્ટ મુજબ, પાટણના સરસ્વતી તાલુકાના ખોડાણા ગામના શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ઠક્કરના દીકરા દર્શિલ ઠક્કર ટૂરિસ્ટ વિઝા પર 9 એપ્રિલ, 2023ના રોજ અમેરિકા ફરવા ગયા હતા. પરંતુ ગત સોમવારે રાત્રે 1 વાગ્યા પહેલા અમેરિકામાં થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું.

પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, દર્શિલ 31 જુલાઈના રોજ અમેરિકાના હ્યુસ્ટન, ટેક્સાસ ફરવા નીકળ્યા હતા. ત્યાં તેઓ પરિવારજનો સાથે વિડિયો કોલ પર વાત કરતા હતા. સિગ્નલ બંધ જોઈને તેઓ રોડ ક્રોસ કરવા ગયા, ત્યારે ઝડપથી આવતી ઘણી કારોએ તેમને અડફેટે લઈ લીધા. દર્શિલ ઘણું દૂર સુધી ઢસડાયા હતા, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું.

અમેરિકામાં જ થશે દર્શિલના અંતિમ સંસ્કાર?

દર્શિલના મૃત્યુની જાણ થતાં પાટણમાં રહેતા પરિવારજનોએ તેમના મૃતદેહને વતન લાવવા માટે સ્થાનિક ધારાસભ્ય થી માંગણી કરી હતી. સીએમઓ અને પીએમઓનો પણ સંપર્ક કરીને મદદ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અમેરિકાના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે મૃતદેહની હાલત ઈન્ડિયા લઈ જવા માટે યોગ્ય નથી. આથી હવે દર્શિલના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે.

દર્શિલ માટે ક્રાઉડફંડિંગ શરૂ

દર્શિલના મિત્ર ભાવિક દેસાઈએ gofundme વેબસાઇટ પર જણાવ્યું છે કે, તેમના પ્રિય મિત્ર દર્શિલ ઠક્કર (24)એ 31 જુલાઈ, 2023ના રોજ અમેરિકાના હ્યુસ્ટન, ટેક્સાસમાં થયેલા હૃદય તોડી નાખનારા હિટ-એન્ડ-રન અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

તપાસ અધિકારીઓ પ્રમાણે, દર્શિલ રોડ પાર કરતી વખતે કાર સાથે અથડાયા હતા, જેમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને મૃત્યુ નિપજ્યું હતું. દર્શિલના અકાળે વિદાયથી તેમના ભારતમાં રહેતા પરિવાર પર મોટો આઘાત પડ્યો છે.

હવે દર્શિલના મૃતદેહને ભારત મોકલવા અને અંતિમ સંસ્કાર માટેના ખર્ચ માટે ક્રાઉડફંડિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. હાલ સુધીમાં $36,407 ફંડ એકત્રિત થયું છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા કેનેડામાં પણ એક ગુજરાતી યુવક વર્સિલ પટેલ નામના 19 વર્ષીય યુવાનનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અમદાવાદના આ યુવક ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા ગયા હતા, જ્યાં તેઓ રોડ અકસ્માતનો ભોગ બન્યા હતા.

વર્સિલના મૃતદેહને ભારત લાવવા માટે તેમના કેટલાક મિત્રોએ ક્રાઉડફંડિંગ શરૂ કરી હતી, જેમાં $40,000 થી વધુ ફંડ એકત્રિત થયો હતો.