દશેરા પર શું કામ લોકો ખાય છે અને ખવડાવે છે ફાફડા-જલેબી? નહીં જાણતા હો આ કારણ

Please log in or register to like posts.
News

છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતના મહાનગરોમાં દશેરાને દિવસે સવારે ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે પરંતુ આ પરંપરા શા માટે અને ક્યારથી શરૂ થઈ એ કદાચ ભાગ્યે જ કોઈ જાણતું હશે. એક માન્યતા એવી છે કે ભગવાન શ્રીરામને શાશ્કુલી કે જેને આજે આપણે જલેબી કહીએ છીએ, તે ખૂબ ભાવતી હતી. એમના પરમભક્ત હનુમાનજીને ચણાના લોટમાંથી બનેલી વાનગી વધુ ભાવતી હતી. આથી જ આજે પણ હનુમાનજીને બુંદીના લાડુનો પ્રસાદ ચડાવવામાં આવે છે.

ભગવાન શ્રીરામે દશેરાને દિવસે રાવણનો વધ કર્યો એની ખુશીમાં નગરજનોએ શાશ્કુલી (જલેબી) ખાઈને ખુશાલી મનાવી હતી. સૈકાઓ બાદ ગુજરાતના મહાનગરના લોકોએ દશેરાને દિવસે જલેબી ખાવાની પરંપરા શરૂ કરી દીધી. મીઠાઈની મજા તો ત્યારે જ આવે કે જ્યારે એની સાથે ફરસાણનો ચટાકો હોય! જો રામને પોતાની પ્રિય વાનગીની સાથે ફરસાણનો સાથ જોઈતો હોય તો રાવણ સાથેના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનારા હનુમાનજીને પ્રિય ચણાના લોટમાંથી બનેલા ફાફડા જ ઉત્તમ વિકલ્પ છે. આમ દશેરાને દિવસે ફાફડા અને જલેબી ખાવાની પરંપરા શરૂ થઈ. જે આજ દિન સુધી યથાવત છે.

દશેરા પર ખવાતાં ફાફડા અને જલેબીમાં પોષક તત્‍વો તો દૂરની વાત છે, પણ નુકસાન કરતાં ટોક્‍સિન વધારે હોવાની પૂરેપુરી સંભાવના ફૂડ એન્‍ડ ન્‍યુટ્રિશનના નિષ્‍ણાતોએ વ્‍યક્‍ત કરી છે. ફાફડા અને જલેબીને માત્ર સ્‍વાદની લિજજત માણવા માટે ટેસ્‍ટ કરાય તો વાંધો નથી, પણ લંચ અને ડિનરના ભોગે તો ખાવા હેલ્‍થ માટે જોખમી છે. વર્ષમાં એકાદ વાર ખાતા હોઇએ ત્‍યારે વધુમાં વધુ ૫૦ ગ્રામ ફાફડા અને ૨૫ ગ્રામ જલેબી ખાવી હિતાવહ છે. બ્‍લડપ્રેશર, હાર્ટ કે કોલેસ્‍ટેરોલના દર્દીઓએ ફાફડા-જલેબીથી દૂર જ રહેવું જોઈએ, ફાફડા ચણાના લોટમાંથી બનતા હોવાથી તેમાં થોડી માત્રામાં કેલરી અને પ્રોટિનનું પ્રમાણ હોય છે, જયારે વિટામિન અને મિનરલ્‍સ નહિંવત હોય છે.

ફાફડા અને જલેબી ખાતા હોઇ ત્‍યારે તેનાંથી થતાં નુકસાનથી બચવા સાથે ફ્રેશ ફ્રૂટ ખાવું જોઇએ. ફાફડા વાસી તેલમાંથી બન્‍યાં હોય તો તેમાં ટોક્‍સિન તત્‍વ વધતાં તે નુકસાન કરવાનું શરુ કરે છે, જયારે જલેબીમાં તો કોઇ જાતનાં પોષક તત્‍વો હોતાં નથી, તેથી જલેબી ખાવાથી શરીરને કોઇ ફાયદો થતો નથી, માત્ર કંઇક અંશે ગ્‍લુકોઝ જતાં શક્‍તિ જેવું લાગે છે.

Source: Sandesh

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.