166 વાર ફોન મંગાવીને દિલ્હીના યુવકે એમેઝોનને લગાવ્યો 50 લાખનો ચૂનો

Please log in or register to like posts.
News

21 વર્ષના યુવકે બહુ જ આસાન જેવી ટ્રિક અપનાવીને એમેઝોનને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. દિલ્હીના શિવમ ચોપડાએ એક-બે વાર નહિ, પણ 166 વાર એમેઝોનને ઠગ્યું. શિવમ ચોપરાએ એમેઝોન પાસેથી 166 મોંઘા સ્માર્ટફોન ઓર્ડર કર્યા અને દરેક વખતે ફોન મળ્યા બાદ ફરિયાદ દાખલ કરી કે, કંપની તેને ખાલી ડબ્બા મોકલાવી રહી છે. આવું કરીને તેને ફોન પણ મળી જતો હતો, અને જેટલી કિંમતનો ફોન હતો, તેટલું રિફંડ પણ પરત મળી જતું હતું. આ ટ્રિક અપનાવીને શિવમે લાખો રૂપિયા કમાવી લીધા હતા.

દિલ્હી પોલીસે હાલ શિવમની એમેઝોને લૂંટવાના આરોપમાં ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, શિવમે આ વર્ષે એપ્રિલથી મે મહિનાની વચ્ચે એમેઝોન પાસેથ 50 લાખ રૂપિયા ઠગી લીધા હતા. જ્યારે એમેઝોનને શિવમ પર શંકા ગઈ તો, પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેના બાદ પોલીસે શિવમની ધરપકડ કરી હતી. જોકે, અત્યાર સુધી તેની પાસેથી 166 સ્માર્ટફોન હજી મળી શક્યા નથી.

નોર્થ દિલ્હીના ત્રિનગર વિસ્તારમાં રહેતા શિવમે હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. તેણે થોડા દિવસ હોટલમાં કામ પણ કર્યું હતું, પણ હાલ તે બેરોજગાર છે. પોલીસે જણાવ્યું કે, શિવમે ફોન ઓર્ડર કરીને 150 સિમકાર્ડ ખરીદ્યા હતા. શિવમ ઉપરાંત તેના મિત્ર સચિન જૈનની પણ આ કૌભાંડમાં પોલીસે ધરપકડ કરી છે.

ડીજીપી મિલિન્દ મહાદેવે જણાવ્યું કે, શિવમે એમેઝોન ઈન્ડિયા કંપની સાથે ફ્રોડ કર્યું છે. તે સ્માર્ટફોન્સનો ઓર્ડર કરતો હતો અને ઓર્ડર મળી ગયા પર કંપનીમાં ફરિયાદ કરતો કે, તેને ખાલી ડબ્બા મળી રહ્યાં છે. જેના બાદ એમેઝોન કંપની તેને રિફંડ કરતી હતી. તે આઈફોન અને સેમસંગ જેવા મોંઘા ફોન જ ઓર્ડર કરતો, જેથી તેને વધુ રિફંડ મળી શકે. કંપનીએ આરોપ લગાવ્યો કે, શિવમ અત્યાર સુધી 166 સ્માર્ટ ફોન ઓર્ડર કરી ચૂક્યો હતો. તમામ ઓડર્સ ગિફ્ટ કાર્ડના માધ્યમથી ખરીદવામાં આવતા હતા, બાદમાં તેને કેન્સલ કરી દેતો હતો અને રિફંડ માંગતો હતો. રિફંડ પણ ગિફ્ટ કાર્ડના માધ્યમથી જ આપવામાં આવતું હતું.

Source: Sandesh

Advertisements

Comments

comments