ગુજરાતમાં જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે હાલમાં મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં તોફાની વરસાદ વરસ્યા પછી આ વાવાઝોડું સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધ્યું છે. આવામાં રાજ્યમાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ થવાની મજબૂત શક્યતાઓ છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે રાજ્યના કેટલાક સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ આફત બનીને તૂટી પડે શકે છે. તેમણે ઓગસ્ટના અંત સુધીમાં અને સપ્ટેમ્બરની શરુઆતમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. સાથે જ તેમણે નદીઓને નવું પાણી મળવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.
કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા
અંબાલાલ પટેલે સૌરાષ્ટ્રની સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમની અગાઉની આગાહીમાં જણાવાયું હતું કે 30 ઓગસ્ટ સુધીમાં અને સપ્ટેમ્બરની શરુઆતમાં રાજ્યના ઘણાં ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં થવાની શક્યતાઓ છે.
મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે, જેના કારણે નર્મદા નદીમાં પૂર આવી શકે તેવી પણ સંભાવનાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે.
તહેવારો દરમિયાન વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગણેશ ચતુર્થી અને પર્યુષણના તહેવારો દરમિયાન વરસાદ મન મૂકીને વરસશે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત સહિતના ભાગોમાં ભારે વરસાદ કે ભારે વરસાદી ઝાપટાં થવાની શક્યતાઓ છે.
હવામાન વિભાગની આગાહી
આ ઉપરાંત ગુજરાત માટે હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં સાત દિવસની આગાહી કરી છે તેમાં રાજ્યમાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે.
આજના દિવસ માટે કરાયેલી આગાહીમાં સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના લોકોએ વરસાદની આ આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવી જોઈએ અને હવામાન વિભાગની તાજેતરની માહિતી પર નજર રાખવી જોઈએ.