ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન આજથી શરૂ થઈ રહી છે. ભારતની લોકપ્રિય ટી 20 લીગ લગભગ બે વર્ષ પછી ભારત પરત ફરી રહી છે. પરંતુ કોરોનાના વધતા જતા કેસો અને ચેપના જોખમને ધ્યાનમાં રાખીને આ વખતે ટૂર્નામેન્ટમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. આ વખતે ટુર્નામેન્ટ મેદાનમાં જુનો ઉત્સાહ જોવાશે નહીં. ભારતીય ક્રિકેટની સૌથી મોટી ઘટનામાં સુરક્ષાના દૃષ્ટિકોણથી, બીસીસીઆઇએ ઘણા ફેરફારો કર્યા છે જે ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સંભવત પહેલી વાર હશે. આવી સ્થિતિમાં, ચાલો જોઈએ તે બધા ફેરફારો અને ટૂર્નામેન્ટથી સંબંધિત ખાસ બાબતો પર એક નજર …
લગભગ બે વર્ષ પછી, દેશમાં યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે ફક્ત છ સ્થાનોની પસંદગી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, મુંબઇ અને કોલકાતાનો સમાવેશ થાય છે. ટીમો તેમના ઘરેલુ મેદાન પર એક પણ મેચ રમી શકશે નહીં, એટલે કે કોઈ પણ ટીમને ઘરની સ્થિતિનો લાભ મળશે નહીં. બધી મેચ તટસ્થ સ્થળોએ રમવામાં આવશે અને કોઈ પણ ટીમ તેમના ઘરે મેચ રમશે નહીં. લીગ તબક્કા દરમિયાન તમામ ટીમો છ સ્થળોમાંથી ચાર સ્થળોએ મેચ રમશે.
આ સતત બીજુ વર્ષ હશે જ્યારે તમામ મેચ દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં રમવામાં આવશે અને ચાહકોની એન્ટ્રી અંગે પછીથી નિર્ણય લેવામાં આવશે.
કુલ 52 દિવસ સુધી દેશના છ જુદા જુદા સ્થળો પર મેચ રમવામાં આવશે. આ સમય દરમિયાન કુલ 56 લીગ મેચ અને પ્લેઓફ-ફાઈનલની ચાર મેચ થશે.
આ વખતે આઈપીએલ રાજસ્થાન, પંજાબ અને હૈદરાબાદમાં નહીં રમવામાં આવે. તમામ મેચ ફક્ત છ શહેરોમાં યોજાશે. ચેન્નાઇ, મુંબઇ, કોલકાતા અને બેંગ્લોર દસ મેચનું આયોજન કરશે, જ્યારે આઠ મેચ અમદાવાદ અને દિલ્હીમાં રમાશે.
ટૂર્નામેન્ટમાં કુલ 11 ડબલ હેડર (દિવસના બે મેચ) રમવામાં આવશે. બપોરના મેચો 3:30 કલાકે શરૂ થશે જ્યારે સાંજના 7:30 વાગ્યાથી મેચ રમાશે.
ટુર્નામેન્ટના તમામ પ્લે-ઓફ અને ટાઇટલ મેચ અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ) માં પણ યોજાશે.
90 મિનિટ માં જ ખતમ કરવી પડશે ઇનિંગ્સ
મેચ નિર્ધારિત સમયની અંતર્ગત પૂર્ણ કરવા માટે, દરેક ઇનિંગની 20 મી ઓવર 90 મિનિટમાં સમાપ્ત કરવાની રહેશે, પ્રથમ નિયમ 20 મી ઓવરને 90 મી મિનિટમાં શરૂ કરવાનો હતો. વિલંબિત અથવા વિક્ષેપિત મેચોમાં, જ્યાં નિર્ધારિત સમયની અંદર 20 ઓવર ના થાય, ત્યાં દરેક ઓવર માટે વધારાની 4 મિનિટ 15 સેકંડ હોઈ શકે છે.
ચોથા અમ્પાયરની વધેલી શક્તિ
જો કોઈ પણ ટીમનો સમય બરબાદ કરતી જોવા મળે, તો ચોથા અમ્પાયરની ભૂમિકા મહત્વપૂર્ણ બની જશે. તેને સજા તરીકે સુધારેલા ઓવર-રેટ નિયમ લાગુ પાડવા અને બેટિંગ સાઈડને ચેતવણી આપવાની સત્તા આપવામાં આવી છે. સોફ્ટ સિગ્નલ નિયમ અંગે બીસીસીઆઈએ જણાવ્યું છે કે ત્રીજી અમ્પાયરના નિર્ણય પર ઓન-ફીલ્ડ અમ્પાયરના સંકેતની કોઈ અસર નહીં પડે.
સોફ્ટ સિગ્નલ અને શોર્ટ રણ ઉપર મોટા નિર્ણયો
મેચ દરમિયાન કોઈ પણ ઓન-ફીલ્ડ અમ્પાયર સોફ્ટ સિગ્નલ તરફ ધ્યાન આપશે નહીં જ્યારે ત્રીજા અમ્પાયરની મદદ લેશે. આ નિર્ણય અમ્પાયરના હિતમાં લેવામાં આવ્યો હતો જેથી ત્રીજા અમ્પાયરને પોતાનો નિર્ણય આપવામાં કોઈ મુશ્કેલી ન આવે અને ન તો તે કોઈ વિવાદનું કારણ બને. બીસીસીઆઈએ શોર્ટ રનના નિયમમાં પણ સુધારો કર્યો. હવે થર્ડ અમ્પાયર શોર્ટ રનમાં ઓન-ફીલ્ડ અમ્પાયરનો કોલ પણ તપાસી શકે છે અને અસલ નિર્ણયને વિરુદ્ધ કરી શકે છે.