ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) આજે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં IPL 2022 ની 49મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે ટકરાશે. CSK અને તેમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) માટે આજની મેચ ખાસ રહેશે, કારણ કે ધોનીની નજર આજે બે રેકોર્ડ પર રહેશે. જો કે આ બંને મામલામાં તે ચોક્કસપણે વિરાટ કોહલીની પાછળ હશે.
વાસ્તવમાં આજે ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ માટે IPLમાં 200મી મેચ રમશે. ધોની મેદાન પર ઉતરતાની સાથે જ આ સ્થાન હાંસલ કરી લેશે. કોઈપણ એક ફ્રેન્ચાઈઝી માટે 200 કે તેથી વધુ મેચ રમવાના કિસ્સામાં માત્ર વિરાટ કોહલી જ તેનાથી આગળ છે. વિરાટે આઈપીએલમાં અત્યાર સુધી બેંગ્લોર માટે 217 મેચ રમી છે. ચેન્નાઈ પર પ્રતિબંધ મુકાયા બાદ ધોનીએ 2016 અને 2017માં અન્ય ફ્રેન્ચાઈઝી માટે રમવું પડ્યું, નહીં તો તે કોહલી કરતા આગળ હોત.
ધોની કેપ્ટન તરીકે છ હજાર રન પૂરા કરશે
વાસ્તવમાં, આ સિઝનની શરૂઆત પહેલા, ધોનીએ CSKની કેપ્ટન્સી છોડી દીધી હતી. તેણે રવિન્દ્ર જાડેજાને જવાબદારી સોંપી હતી, પરંતુ આઠ મેચમાં છ હાર બાદ દબાણનો સામનો કરી રહેલા રવિન્દ્ર જાડેજાએ ફરીથી ધોનીને સુકાનીપદ સોંપ્યું હતું. તેણે કહ્યું કે તે કેપ્ટનશિપના દબાણને કારણે કેપ્ટનશિપ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. ધોનીએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની પાછલી મેચમાં પણ કેપ્ટનશીપ કરી હતી અને ચેન્નાઈએ 13 રનથી મેચ જીતી હતી. ધોની મેદાન પર ઉતરતાની સાથે જ T20 કેપ્ટન તરીકે 302મી મેચ રમશે.
અત્યાર સુધી 301 T20Iમાં કેપ્ટનશિપ કરતી વખતે ધોનીએ 185 ઇનિંગ્સમાં 38.67ની એવરેજથી 5994 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 23 અડધી સદી ફટકારી છે. છ રન બનાવતાની સાથે જ ધોની T20 કેપ્ટન તરીકે છ હજાર રન પૂરા કરનાર વિશ્વનો બીજો કેપ્ટન બની જશે. આ મામલે વિરાટ કોહલી પણ તેનાથી આગળ છે. વિરાટે કેપ્ટન તરીકે 190 T20 મેચોની 185 ઇનિંગ્સમાં 43.29ની એવરેજથી 6451 રન બનાવ્યા છે. જેમાં પાંચ સદી અને 48 અડધી સદી સામેલ છે.
કોહલી અને ધોની પછી ત્રીજા નંબર પર મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા છે. રોહિતે ટી20 કેપ્ટન તરીકે 31.05ની એવરેજથી 4721 રન બનાવ્યા છે. હવે જોવું એ રહ્યું કે ધોની બેંગ્લોર સામે આ સ્થાન હાંસલ કરી શકશે કે નહીં. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની છેલ્લી મેચમાં ધોનીએ સાત બોલમાં આઠ રન બનાવ્યા હતા.